પેટલાદ ખાતે મયંકભાઈ પટેલિયા એ તેમના બાળકના જન્મદિવસે ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરીને આ પરિવારે સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું
Publish Date : 21/07/2026
માત્ર ૨ વર્ષના માસૂમ રિવાંશનો જન્મદિવસ ટીબીના દર્દીઓની વહારે આવી ઉજવ્યો: જિલ્લાના સૌથી નાની ઉંમરના ‘નીક્ષય મિત્ર’ બન્યા
આણંદ, સોમવાર, દેશને ટીબી મુક્ત કરવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા અને દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી ‘નીક્ષય મિત્ર’ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. પેટલાદ ખાતે ટી.બી. સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મયંકભાઈ પટેલીયાના સુપુત્ર રિવાંશ પટેલીયાના જન્મદિવસે એક સરાહનીય પહેલ કરી છે. રિવાંશના જન્મદિન નિમિત્તે તેમના પિતાએ પેટલાદ અર્બન વિસ્તારના ૫ (પાંચ) ટીબીના દર્દીઓને ન્યુટ્રિશિયન કીટ (પોષણ કીટ) અર્પણ કરી હતી અને આ રીતે તેમના માત્ર ૨ વર્ષની નાની ઉંમરના રિવાંશ પટેલીયાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આણંદ જિલ્લાના સૌથી નાની ઉંમરના ‘નીક્ષય મિત્ર’ બનવાનું બહુમાન મેળવ્યું છે.
રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના દર્દીઓના ઝડપી રિકવરી માટે ‘નીક્ષય પોષણ યોજના’ અને ‘નીક્ષય મિત્ર’ જેવી મહત્વકાંક્ષી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ક્ષય રોગથી પીડાતા દર્દીઓને સારવાર દરમિયાન દર મહિને રૂ. ૫૦૦ની સહાય સીધી તેમના બેંક ખાતામાં (DBT દ્વારા) જમા કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજના દાતાઓ, સંસ્થાઓ કે વ્યક્તિગત ‘નીક્ષય મિત્ર’ બનીને દર્દીઓને વધારાની પોષણયુક્ત કીટ દત્તક લઈ પૂરી પાડી શકે છે, જેથી દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધે અને તેઓ વહેલા સાજા થઈ શકે.
મયંકભાઈ પટેલિયા એ તેમના બાળકના જન્મદિવસે ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરીને આ પરિવારે સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બાળ રિવાંશ અને તેમના પરિવારને બિરદાવવામાં આવ્યા છે.
આ સાથે જ આણંદ જિલ્લાના અન્ય નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ અને સેવાભાવી લોકોને પણ આગળ આવીને ટીબીના દર્દીઓની વહારે આવવા અપીલ કરવામાં આવી છે. જો વધુને વધુ લોકો ‘નીક્ષય મિત્ર’ બનીને દર્દીઓને ન્યુટ્રિશનલ કીટ પૂરી પાડવામાં સહયોગ આપશે, તો આણંદ જિલ્લાને ખૂબ જ ઝડપથી ટીબી મુક્ત બનાવી શકાશે, તેમ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દિપક પરમાર એ જણાવ્યું છે.