પેટલાદ એસ. એસ.હોસ્પિટલ ખાતે વિકંલાગતા સર્ટીફીકેટ મેળવવા માટેનો કેમ્પ યોજાશે
Publish Date : 19/07/2025
લેપ્રસીના દર્દીઓએ તા.૨૨ જુલાઈ સુધી યોજાનાર કેમ્પનો લાભ લેવા અનુરોધ કરતાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી.
MDT સારવારથી રક્તપિત્ત સંપૂર્ણપણે મટી શકે તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરાશે: જિલ્લા ક્ષય અધિકારી.
આણંદ,શનિવાર: લેપ્રસીના દર્દીઓમાં હાથ-પગના દિવ્યાંગતા ધરાવતા દર્દીઓ માટે પેટલાદ ખાતે આવેલ જિલ્લા ક્ષય કેન્દ્રની એસ. એસ.હોસ્પિટલ પેટલાદ ખાતે વિકંલાગતા સર્ટીફીકેટ મેળવવા માટે કેમ્પનું આયોજન તા. ૨૨ જુલાઈ ૨૦૨૫ સુધી કરવામાં આવેલ છે.
જિલ્લામાં લેપ્રસીના દર્દીઓને લાભ લેવા માટે જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો. દિપક પરમારે અનુરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,રક્તપિત્તએ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના બેકટેરીયાથી થતો ચેપી રોગ છે, જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને લેપ્રસી થવાની શક્યતાઓ ૬ વર્ષથી માંડી ૩૦ વર્ષ સુધી રહેલી છે. આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તની બિમારીને નાબૂદ કરવા માટે જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રક્તપિત્તની બીમારીના લક્ષણોમાં શરીર ઉપર આછું ઝાંખું રતાશ પડતું ચાઠું કે જેમાં સંવેદનાનો અભાવ હોય, ખંજવાળ આવતી ન હોય એવું ચાઠું રક્તપિત્ત હોઈ શકે છે. હાથ-પગમાં બહેરાશ પણ જોવા મળી શકે છે.
રક્તપિત્તનું સમયસર નિદાન અને સારવાર નહી થવાથી હાથે, પગે અને ચહેરા ઉપર વિકૃતિ જેવી કે હાથની આંગળીઓ વળી જવી, પગની આંગળીઓ વળી જવી, કાંડામાંથી હાથ લળી જવો, પગની પાનીથી પગ લળી પડવો, આંખો પૂરી બંધ ન થવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
રક્તપિત્તની એમડીટી સારવારથી તે ચોક્કસ સંપૂર્ણપણે મટી શકે છે. રક્તપિત્તની સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે. જિલ્લામાં કુલ ૧૮૧૩ ટીમો બનાવવામાં આવી છે.જે ૪.૧૫ લાખ ઘરોની મુલાકાત કરી રક્તપિત્તના શંકાસ્પદ વ્યક્તિઓને શોધવા ઝુંબેશ હાથ ધરાશે. તેમાં પણ ફેકટરી વસાહતો, ઇંટોના ભઠ્ઠા, તમાકુની ખરી, હોસ્ટેલો, વૃધ્ધાશ્રમોને પણ આવરી લેવામાં આવશે. શંકાસ્પદ ચિન્હો ધરાવતી વ્યક્તિઓનું તબીબો દ્વારા ચોક્કસ નિદાન કરી જરૂરી ત્વરિત દવાઓ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે, તેમ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર દીપક પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે.