પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભાદરણમાં ધોરણ-૬ માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
Publish Date : 15/07/2026
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટેની જાહેરાત: ૩૦ સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી
આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં બોરસદ તાલુકામાં આવેલ પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ માટે ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે હાલમાં આણંદ જિલ્લાની સરકારી, અર્ધસરકારી કે માન્યતા પ્રાપ્ત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાત્રતા ધરાવે છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓએ આગામી તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.
જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા (JNVST-2027) ના આયોજન અંગે વિગતો આપતા વિદ્યાલયના આચાર્ય શ્રી ભોલંબર સિંઘે જણાવ્યું છે કે, આ પ્રવેશ પરીક્ષા આગામી તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૬ ને શનિવારના રોજ આયોજિત કરવામાં આવશે. જવાહર નવોદય વિદ્યાલય નિવાસી શાળા છે જે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણની સાથે સાથે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને જરૂરી અભ્યાસ સામગ્રી અને ગણવેશ પણ સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે. વિદ્યાલયમાં માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત, સંગીત, આર્ટ, એન.સી.સી. (NCC) અને એસ.પી.સી. (SPC) જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ શ્રેષ્ઠ તાલીમ આપવામાં આવે છે, જેથી બાળકો પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે.
પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અત્યંત સરળ રાખવામાં આવી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની સત્તાવાર વેબસાઈટ https://cbseitms.rcil.gov.in/nvs/ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
આણંદ જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સમયમર્યાદામાં ફોર્મ ભરવા માટે વિદ્યાલય પ્રશાસન દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે વિદ્યાલયની કચેરીનો સંપર્ક સાધી શકાશે.