‘પરિવહન’ પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતા આરટીઓ સેવાઓ પ્રભાવિત, સર્વર અપગ્રેડેશનની કામગીરી ચાલુ
Publish Date : 16/05/2026
આણંદ, શુક્રવાર , કેન્દ્ર સરકારના “પરિવહન (Parivahan)” પોર્ટલના સર્વરમાં છેલ્લા ૨-૩ દિવસથી ટેકનિકલ ખામી સર્જાવાના કારણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ગુજરાતમાં પણ ઓનલાઇન સેવાઓ પર વ્યાપક અસર પડી છે. આ ટેકનિકલ અવરોધના લીધે રાજ્યભરની આરટીઓ (RTO) કચેરીઓમાં વાહન માલિકો, ડીલરો અને સામાન્ય નાગરિકોને વાહન નોંધણી (Registration), ટેક્સની ભરપાઈ તેમજ અન્ય મહત્વની ઓનલાઇન સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા સર્વરની કાર્યક્ષમતા વધારવા અને સુવિધાઓને વધુ સશક્ત બનાવવાના હેતુથી ક્લાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર અપગ્રેડ અને સ્થળાંતર કરવાની રાષ્ટ્રીય કક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ ટેકનિકલ પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે હાલમાં સેવાઓ પ્રભાવિત થઈ છે.
NIC અને સંબંધિત ટેકનિકલ ટીમો દ્વારા આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓનલાઇન સેવાઓ વહેલી તકે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થાય તે માટે વિભાગ કટિબદ્ધ છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને, રાજ્યની તમામ આરટીઓ કચેરીઓને સૂચના આપવામાં આવી છે કે નાગરિકોની અગાઉથી બુક થયેલ એપોઇન્ટમેન્ટ્સને જરૂર મુજબ રી-શેડ્યૂલ કરવામાં આવે તથા અરજદારોને યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવે.
આ ટેકનિકલ ખામીના કારણે અરજદારોને પડતી અસુવિધા બદલ વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા ખેદ વ્યક્ત કરી નાગરિકોને સહકાર આપવા એક યાદી દ્વારા વિનંતી કરવામાં આવી છે.