‘નારી વંદના ઉત્સવ’ અંતર્ગત તા.૪ ઓગસ્ટના રોજ આણંદ ખાતે મહિલાઓ માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
Publish Date : 03/08/2026
વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર ભરતી મેળામાં ૧૮ થી ૪૫ વર્ષના ફક્ત મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે
આણંદ, શનિવાર , ‘નારી વંદના ઉત્સવ’ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે આણંદ જિલ્લામાં મહિલાઓને સ્વરોજગારી અને રોજગારીના અવસરો પૂરા પાડવા માટે એક વિશેષ ભરતી મેળો યોજાનાર છે.
આણંદની મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી તથા આણંદ જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરિયર સેન્ટર)ના સંયુક્ત ઉપક્રમે તા.૦૪/૦૮/૨૦૨૬ ને મંગળવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે વલ્લભ વિદ્યાનગરમાં નાના બજાર સ્થિત નલિની-અરવિંદભાઈ એન્ડ ટી.વી.પટેલ આર્ટ્સ કોલેજ ખાતે “ફક્ત મહિલાઓ માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો” યોજાશે.
આ ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., સ્નાતક તેમજ અનુ-સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથમાં આવતા તમામ મહિલા રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે.
ઈચ્છુક મહિલા ઉમેદવારોને પોતાના તમામ જરૂરી શૈક્ષણિક કાગળો અને ઓછામાં ઓછી બાયોડેટાની ૦૩ નકલો સાથે નિયત સમયે અને સ્થળે રૂબરૂ ઈન્ટરવ્યુ માટે હાજર રહેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.