નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બનતુ આણંદનું જનરલ હોસ્પિટલ
Publish Date : 21/05/2026
જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત ડાયાલિસીસ કેન્દ્ર બની રહ્યુ છે આણંદના કિડનીના દર્દીઓ માટે આશિર્વાદ સમાન
વર્ષ ૨૦૨૪, ૨૦૨૫ તેમજ વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં કુલ ૧૫૯૩ દર્દીઓએ વિનામૂલ્યે મેળવી ડાયાલિસીસની વિવિધ સારવાર
આણંદ, બુધવાર , ગુજરાત સરકાર હંમેશાં છેવાડાના માનવી સુધી ઉત્તમ અને ગુણવત્તાસભર સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધતા સાથે પ્રયાસરત છે. સરકારની નાગરિકો પ્રત્યેની સતત દરકાર અને સંવેદનશીલતાના પરિણામે જ આજે સામાન્ય નાગરિકોને મોંઘી તબીબી સારવાર પણ ઘરઆંગણે સરળતાથી મળી રહી છે. આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણના આ જ સેવા-યજ્ઞના ભાગરૂપે, આણંદના જનરલ હોસ્પિટલ ખાતે ઓગસ્ટ ૨૦૨૧થી કાર્યરત ડાયાલિસીસ વિભાગ કિડનીની ગંભીર બીમારી ધરાવતા જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.
આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યાના માર્ગદર્શન હેઠળ દર્દીઓને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવામાં આપવામાં આવી રહી છે. જનરલ હોસ્પિટલ આણંદના સીનિયર મેડિકલ ઓફિસર ડૉ. સુધીર પંચાલના જણાવ્યા અનુસાર, જનરલ હોસ્પિટલમાં કિડનીના દર્દીઓને ડાયાલિસીસની તમામ સારવાર તદદન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ઓગસ્ટ ૨૦૨૧થી શરૂ થયેલા આ વિભાગમાં પ્રતિદિન અને પ્રતિવર્ષ નોંધાતા ડાયાલિસીસના નવા કેસોને અત્યંત સઘન અને ગુણવત્તાસભર સારવાર આપવામાં આવી રહી છે.
આ કેન્દ્રમાં સારવાર મેળવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં કુલ ૫૭૬ દર્દીઓ અને વર્ષ ૨૦૨૫માં કુલ ૭૭૩ દર્દીઓએ અહીં સારવાર મેળવી હતી. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૬માં આજ દિન સુધીમાં જ કુલ ૨૪૪ દર્દીઓને ડાયાલિસીસની વિવિધ સારવાર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આમ, આણંદ અને આસપાસના વિસ્તારના અસંખ્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ જનરલ હોસ્પિટલનું આ કેન્દ્ર રાહતનું મોટું માધ્યમ બન્યું છે. ડાયાલિસીસ કરાવતા દર્દીઓમાં ઘણીવાર અન્ય ગંભીર કે ચેપી રોગો જેવા કે HBsAg (હેપેટાઈટીસ-બી), HCV (હેપેટાઈટીસ-સી) તેમજ PLHIV (એચ.આઈ.વી. સંક્રમિત) જોવા મળતા હોય છે. આવા ગંભીર દર્દીઓની ખાસ કાળજી રાખવા માટે સરકારશ્રી તરફથી માત્ર આણંદ જનરલ હોસ્પિટલને એક સ્પેશિયલ ડાયાલિસીસ મશીન તેમજ સ્પેશિયલ રૂમની સુવિધા ફાળવવામાં આવી છે, જે જનરલ હોસ્પિટલ આણંદ માટે ખૂબ જ ગર્વની વાત છે. આ વિશેષ સુવિધાને લીધે અન્ય દર્દીઓમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેતું નથી અને ગંભીર દર્દીઓને પણ યોગ્ય સારવાર મળી રહે છે.
જનરલ હોસ્પિટલમાં આવતા તમામ ડાયાલિસીસના દર્દીઓની નિયમિત તપાસ અહીંના મેડિકલ ઓફિસર તેમજ વિઝિટિંગ નેફ્રોલોજીસ્ટ (કિડનીના નિષ્ણાત ડૉક્ટર) દ્વારા કરવામાં આવે છે. દર્દીઓની મુલાકાત લઈ તેમને જરૂરી દવાઓ, સારવાર અંગેના યોગ્ય સલાહ-સૂચનો તેમજ કિડનીના રોગમાં કેવો ખોરાક લેવો જોઈએ તે બાબતે પણ વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને અહીં આવતા દરેક દર્દી માટે ચા-નાસ્તાની પણ ઉત્તમ સગવડ વિનામૂલ્યે કરવામાં આવે છે.
આમ, કહી શકાય કે જનરલ હોસ્પિટલ આણંદ ખાતે ઉપલબ્ધ આ આધુનિક અને વિનામૂલ્યે ડાયાલિસીસ સેવાઓ એ સરકારની ગરીબ દર્દીઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાની નીતિનું જીવંત ઉદાહરણ છે. આણંદ જિલ્લાના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મોંઘા ડાયાલિસીસના ખર્ચમાંથી મુક્તિ આપીને સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે નાગરિકો પ્રત્યેની પોતાની જવાબદારી ઉત્કૃષ્ટ રીતે નિભાવી છે. સરકારશ્રીની આ લોકાભિમુખ પ્રતિબદ્ધતા અને હોસ્પિટલ સ્ટાફની દર્દીઓ પ્રત્યેની લાગણીશીલ દરકારને કારણે જ આજે આણંદ જિલ્લો આરોગ્ય ક્ષેત્રે નવીન સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે.

નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બનતુ આણંદનું જનરલ હોસ્પિટલ

નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બનતુ આણંદનું જનરલ હોસ્પિટલ

નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બનતુ આણંદનું જનરલ હોસ્પિટલ

નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બનતુ આણંદનું જનરલ હોસ્પિટલ