તા. 28 મી એ સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે
Publish Date : 03/03/2026
આણંદ જિલ્લામાં અંદાજિત 17787 કિશોરીઓને HPV વેક્સિન અપાશે
રાજસ્થાનના અજમેર ખાતેથી મહિલાઓમાં ગર્ભાશય મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવશે
આણંદ, શુક્રવાર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ 28 મી ફેબ્રુઆરી, શનિવારના રોજ રાજસ્થાનના અજમેર ખાતેથી મહિલાઓમાં ગર્ભાશય મુખના કેન્સર વિરોધી HPV રસીકરણનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવશે.
આ સાથે જ ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાશે.આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલના જણાવ્યા મુજબ મહિલાઓને સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે કિશોરીઓના રસીકરણ દરમિયાન 14 વર્ષની તમામ કિશોરીઓનું (જેમણે 14 મો જન્મદિવસ પૂર્ણ કર્યો હોય પરંતુ 15 મો નહીં) રસીકરણ કરવામાં આવશે.
આણંદ જીલ્લામાં અંદાજીત 17787 કિશોરીઓને HPV રસી આપવામાં આવશે. જીલ્લામાં ગર્ભાશયના મુખના કેન્સર સામે મજબુત સુરક્ષા કવચ ઉભું કરી રોગ સામે રક્ષણ આપવામાં આ અભિયાન મહત્વનું બની રહેશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના જણાવ્યા મુજબ એચ.પી.વી. રસીકરણ અભિયાન અને સાવચેતી અંતર્ગત સ્ટ્રેટેજીક એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લાભાર્થીની ઓળખ 14 વર્ષની વય ધરાવતી તમામ કિશોરીઓનું હેડ કાઉન્ટ સર્વે કરી યાદી તૈયાર કરાશે.
શાળાએ ના જતી હોય તેવી દીકરીઓને પણ રસી આપવામાં આવશે. આણંદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસરની હાજરીમાં તાલીમ મેળવેલ નર્સ દ્વારા HPV રસી આપવામાં આવશે.વાલી અને શિક્ષકોની મીટીંગ કરવામાં આવશે. આરોગ્ય કર્મચારી અને નોડલ શિક્ષક દ્વારા રસીકરણ પૂર્વે અને રસી અંગે જાગૃતિ કાર્યક્રમો કરાશે. આણંદ જિલ્લામાં 14 વર્ષ ની દીકરાઓને રસી અપાવી ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષિત કરવા વાલીઓ, શાળા સંચાલકો અને સમાજનાં આગેવાનોને સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.