તા. 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ થશે શરૂ
Publish Date : 19/02/2026
આણંદ જિલ્લામાં ધોરણ 10 ના 31914, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 14893 અને વિજ્ઞાન પ્રવાહના 4159 વિદ્યાર્થીઓ મળીને કુલ 50966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 233 5500 છે
દિવ્યાંગ ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોગની વ્યવસ્થા ઉપરાંત ઉમેદવારને લહિયાની જરૂરિયાત હોય તો મળશે
દરેક બ્લોક, બિલ્ડીંગ અને ક્લાસરૂમ ખાતે સીસીટીવી કેમેરા કાર્યરત રહેશે
વિદ્યાર્થીઓ નિર્ભય પણે, શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન
આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આગામી તારીખ 26 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે અને 18મી માર્ચના રોજ પૂર્ણ થશે.
આણંદ જિલ્લામાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિ દ્વારા બોર્ડની પરીક્ષા અંગે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગેરરીતી વિહીન, શાંતિપૂર્ણ વાતાવરણમાં, આત્મવિશ્વાસથી અને નિર્ભય પણે પરીક્ષા આપી શકે તેવુ સુચારૂ આયોજન આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા માટે 40 કેન્દ્રોમાં, 112 બિલ્ડિંગમાં, 1122 બ્લોકમાં 31914 વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે પાંચ કેન્દ્રમાં 21 બિલ્ડીંગ ઉપર 212 બ્લોકમાં વિજ્ઞાન પ્રવાહના 4159 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 14,893 વિદ્યાર્થીઓ 21 કેન્દ્ર ખાતે 45 બિલ્ડિંગમાં 500 બ્લોકમાં કુલ 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે.
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો 24 કલાક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ પરીક્ષા શરૂ થવાના બે દિવસ પહેલા કાર્યરત થશે. તેવી જ રીતે આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા સવારે 7-00 કલાકથી રાત્રિના 20-00 કલાક સુધી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત થશે, જેનો ફોન નંબર 02692-264153 રહેશે તેની ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ સંપર્ક કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે.
દિવ્યાંગ ઉમેદવારો માટે જે તે બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોગની વ્યવસ્થા કરવામાં આવનાર છે, ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારને લહિયાની જરૂરિયાત હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે થી નિયમો અનુસાર કાર્યવાહી કરીને મેળવી શકશે.
આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા જે કેન્દ્ર બિલ્ડીંગ ક્લાસરૂમમાં લેવામાં આવનાર છે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત રહેશે.
ધોરણ 10 ની પરીક્ષા માટે આણંદ ઝોનમાં 46 હાઇસ્કુલો ખાતે, પેટલાદ ઝોન ની 33 હાઇસ્કુલો ખાતે અને આંકલાવ ઝોન ની 33 હાઇસ્કુલો ખાતે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આણંદ માં 04 હાઈસ્કુલો ખાતે, બોરસદમાં 06 હાઇસ્કુલો ખાતે,ખંભાતમાં 03 હાઇસ્કુલ, પેટલાદમાં 03 હાઇસ્કુલ અને વલ્લભ વિદ્યાનગરમાં 05 હાઇસ્કુલ મળીને કુલ 21 હાઇસ્કુલો ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે. તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આણંદ જિલ્લામાં કુલ 45 સેન્ટર ઉપર લેવામાં આવનાર છે.
આ ઉપરાંત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તથા વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય તો સ્ટેટ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર 9909038768 અને 079-232 20538 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે તથા જીવન આસ્થા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-3330 નંબર 24×7 કાર્યરત રહેશે.
આ ઉપરાંત ગાંધીનગર બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 233 5500 ઉપર સવારે 10-00 કલાક થી સાંજના 18-00 કલાક સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે.