તા.19 જૂન ના રોજ આણંદ ખાતે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભોનો બીજો હપ્તો વિતરિત કરવાનો કાર્યક્રમ યોજાશે
Publish Date : 18/06/2026
આણંદ, બુધવાર , કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), પ્રાદેશિક કચેરી, વટવા દ્વારા તા. ૧૯, જૂનના રોજ આણંદ સ્થિત વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) હેઠળ પાત્ર કર્મચારીઓ અને માલિકોને પ્રોત્સાહક લાભો જાહેર કરવા માટેનો પ્રાદેશિક કાર્યક્રમ યોજાશે.
આણંદના પ્રભારી મંત્રી શ્રી સંજ્યસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં બપોરના ૪.૩૦ કલાકે યોજાનાર આ સમારોહમાં દિલ્હી ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ સંબોધન દ્વારા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના લાભોનો બીજો હપ્તો જાહેર કરશે.
નોંધનિય છે કે, ૧૫ મી ઓગસ્ટ-૨૦૨૫ ના રોજ પ્રધાનમંત્રીશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) એ એક સીમાચિહ્નરૂપ રોજગાર-લિંક્ડ પ્રોત્સાહક યોજના છે. જેનો ઉદ્દેશ્ય મોટા પાયે ઔપચારિક રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવાનો અને માસિક રૂ. ૧ લાખ સુધીની કમાણી કરતા નવા કર્મચારીઓને રૂ. ૧૫ હજાર સુધીનું પ્રોત્સાહન (બે હપ્તામાં) આપીને તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા કવચને મજબૂત કરવાનો છે, આ સાથે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT મોડમાં) પ્રત્યેક નવા જોડાનાર કર્મચારી માટે નિયોક્તાઓને રૂ. ૩ હજાર સુધી માસિક સબસિડી આપવામાં આવે છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રાદેશિક કચેરી વટવાના હાલના સામાજિક સુરક્ષાના જનાદેશને વધુ મજબૂત કરવાનો છે, જે ગુજરાતના છ જિલ્લાઓ એટલે કે અમદાવાદ (આંશિક), આણંદ, ખેડા, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં ફેલાયેલા ૭ હજાર અંશદાન આપતી સંસ્થાઓમાં કાર્યરત આશરે ૪ લાખ અંશદાન આપતા સભ્યો અને ૨૧ હજાર પેન્શનરોને સેવાઓ પૂરી પાડે છે.