Close

તા.13 ફેબ્રુઆરી, વિશ્વ એનિમિયા જાગૃતિ દિવસ”

Publish Date : 13/02/2026

આણંદ, ગુરૂવાર: દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીને સમગ્ર વિશ્વમાં “વિશ્વ એનિમિયા જાગૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ભારત દેશમાં પણ ઈન્ડીયન એકેડેમી ઓફ પીડીયાટ્રીક્સ (IAP) જે દેશના ૪૭૦૦૦ કરતાં પણ વધારે બાળ રોગ નિષ્ણાંતોનું સંગઠન છે, તેમના ધ્વારા એનિમિયા અટકાવ માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે, તેમ

નેશનલ-એક્ઝક્યુટીવ બોર્ડ મેમ્બર- (IAP) કિલ્લોલ બાળકોની હોસ્પિટલ, આણંદના ડો. રશ્મિન આર સેસિલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ દિવસ ઉજવવાનો હેતું સમગ્ર વિશ્વમાં લોહીની તંદુરસ્તી અંગે જાગૃતિ લાવવાનો તેમજ લોહીની ખામી (એનિમિયા) તેમજ લોહીમાં આર્યન ની ઉણપ દુર કરવા માટે તેના નિદાન, સારવાર અને અટકાવને પ્રોત્સાહન આપવાનો છે.

એનિમિયા (Anaemia) એટલે શું ?

આપણા લોહીમાં રહેલાં લાલકણો (Red Blood Cells) માં હિમોગ્લોબિન (Haemoglobin) નામનો લાલ રંગનો પદાર્થ આવેલો હોય છે જે આર્યન – લોહ તત્વ અને પ્રોટીનનો બનેલો હોય છે. આ હિમોગ્લોબિન એ લોહીના લાલકણોને લાલ રંગ આપે છે.

આ હિમોગ્લોબિન તત્વ એ ફેફસામાંથી શરીરના કોષોમાં ઓક્સિજનને વહન કરવાનું ખુબ જ મહત્વનું કાર્ય કરે છે અને શરીરના કોષોમાંથી નકામો ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોકસાઇડ નિકાલ માટે ફેફસામાં પહોંચાડે છે.

તંદુરસ્ત વ્યક્તિના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પુરુષોમાં ૧૪ થી ૧૮ ટકા અને સ્ત્રીઓમાં ૧૨ થી ૧૬ ટકા જેટલું હોય છે. દરેક વ્યક્તિના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સરેરાશ ૧૩ ટકા જેટલું જળવાઇ રહે એ યોગ્ય અને આવશ્યક છે તેથી એનિમિયા જાગૃતિ દિવસ માટે ૧૩ તારીખ પસંદ કરવામાં આવી છે.

જ્યારે લોહીમાં લાલકણો ઘટી જાય છે ત્યારે હીમોગ્લોબિન તત્વ ઘટી જાય છે પરીણામે શરીરને પુરતા પ્રમાણમાં ઓક્સિજન વાયુ પહોંચાડી શકાતો નથી. પરીણામે શરીરમાં વિવિધ તકલીફો થાય છે જેવી કે શ્વાસ ચડવો, થાક લાગવો, નબળાઈ આવવી વગેરે.

આવી પરીસ્થિતીને એનિમિયા અથવા પાંડુરોગ કહેવામાં આવે છે.

એનિમિયાના મુખ્ય ચિહનો અને લક્ષણોઃ

થાક લાગવો અને શારીરિક નબળાઇ આવવી,શ્વાસ ચડવો, કામ કરતાં થાકી જવું, હૃદયના ધબકારા વધી જવા, ચામડી, આંખો, નખ, જીભ વગેરે ફીક્કા કે પીળાશ પડતાં દેખાય,માથું દુખે, ચક્કર આવે, એકાગ્રતા, યાદ શક્તિ થટી જાય, બાળક ભણવામાં નબળું પડી જાય.

એનિમિયાના મુખ્ય પ્રકારો :

લોહ તત્વની ઉણપથી થતો એનીમિયા, (Iron-deficiency Anaemia):

આ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો એનિમિયા છે. જ્યારે શરીરમાં આર્યન કે લોહ તત્વ ની ઉણપ હોય ત્યારે હિમોગ્લોબિનના બંધારણ માટે તકલીફ થાય છે પરીણામે એનિમિયા જોવા મળે છે.

આ પ્રકારના એનિમિયા થવાના કારણોમાં :

શરીરમાંથી પુષ્કળ લોહી વહી જવું : અતિશય વધારે માસિક આવવાના કારણે, પાચનમાર્ગમાં ચાંદા, હરસ-મસા, કરમિયા, કેન્સર વગેરેના કારણે

ખોરાકની ઉણપના કારણે શરીરને પુરતા પ્રમાણમાં આર્યન ના મળવાના કારણે

શરીરમાં આર્યનનું પુરતા પ્રમાણમાં શોષણ ના થવાના કારણે

વારંવાર મેલેરીયા થવાના કારણે લાલકણોનો નાશ થવાથી

શરીરમાં આર્યનની જરૂરિયાત વધી જવાના કારકે જેમ કે સગર્ભાવસ્થા, સ્તનપાન કરાવતી સ્ત્રીઓ વગેરે.

વિટામીનની ખામી ના કારણે થતો એનિમિયા (Vitamin Deficiency Anaemia):

હિમોગ્લોબિન બનવા માટે વિટામીન બી-૧૨ ની પણ જરૂર પડે છે. આ વિટામીન ખોરાકમાંથી લોહીમાં ભળે છે. પરંતુ પુરતા પ્રમાણમાં બી-૧૨ લોહીમાં ના ભળી શકે તો એનિમિયા થાય છે તેને પર્નિસિયસ એનેમિયા કહેવામાં આવે છે.

હિમો લાઇટિંગ એનિમિયા (Hemolytic Anaemia):

જ્યારે લોહીમાં લાલકણો ઉત્પન્ન થાય તેના કરતાં વધારે પ્રમાણમાં નાશ પામે ત્યારે આ પ્રકારનો એનિમિયા જોવા મળે છે. આ થવાનું કારણ વારસાગત પરીબળો, સ્વપ્રતિકારના રોગો, ગંભીર ચેપ લાગવો, દવાઓની આડઅસર વગેરે હોય છે.

એપ્લાસ્ટિક એનિમિયા (Aplastic Anaemia):

જ્યારે હાડકાંમાં રહેલા અસ્થિમજ્જાના કોષો પુરતાં પ્રમાણમાં લોહીમાં લાલકણો ઉત્પન્ન કરી શકતા નથી ત્યારે અ પ્રકારનો એનિમિયા જોવા મળતો હોય છે.

એનિમિયાનું નિદાન (Diagnosis):

લોહીમાં રહેલા કોષોની તપાસ (CBC-complete blood count) દરમિયાન હીમોગ્લોબિનનું પ્રમાણ માપવામાં આવે છે.

એનિમિયાની સારવાર (Treatment) :

લોહ તત્વની ખામીથી થતા એનિમિયા માટે આર્યનથી ભરપુર ખોરાક જેવા કે કઠોળ, લીલા શાકભાજી-પાલક, કોબીજ, સરગવા, શક્કરીયા, ટામેટા, વગેરે, ડ્રાય ફ્રુટ-ખજુર, કાળી દ્રાક્ષ, અખરોટ, બદામ વગેરે, ફળો-દાડમ, સફરજન, તરબુચ, દ્રાક્ષ, જામફળ, નારંગી, લીંબુ વગેરે, મગફળી, માંસ, ઈંડા, ગોળ, આપવા.

ખાટા ફળો જેવા કે લીંબુ, સંતરા, આમલી આર્યનને શરીરમાં શોષવામાં સહાય કરે છે. જ્યારે ખોરાકના સમયે ચા, કોફી, દુધ, ચોકલેટ વગેરે લેવાથી તે આર્યનને અવરોધ કરે છે.

વિટામીનની ખામીથી થતા એનિમિયા માટે વિટામીન બી-૧૨ અને ફોલેટ આપવું, જરૂર પ્રમાણે ઇંજેક્શન કે ટેબલેટ ઘ્વારા આપવું. વિટામીન બી-૧૨ માટે દુધ અને દુધની બનાવટો, અનાજ, કઠોળ, માંસ, ઈંડા, લીવર, તેમજ ફોલેટ માટે લીલા શાકભાજી, લીવર, બીટ, ઓરેન્જ આપી શકાય છે.

બાળકોને પ્રથમ ૬ મહીના સુધી પુરતા પ્રમાણમાં ધાવણ આપવું અને સમયસર ૬ મહીના પછી સાથે-સાથે પુરક આહાર શરૂ કરી દેવો.