તા.06 ઓક્ટોબરના રોજ બોરસદ તાલુકાના કઠાણા, ખંભાત તાલુકાના ગોલાણા અને આંકલાવ તાલુકાના અંબાલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

Publish Date : 06/10/2026

આણંદ,સોમવાર , આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે 7 થી 8 ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત  તારીખ 06 ઓક્ટોબર મંગળવારના રોજ સવારના 9-00 કલાકથી બોરસદ તાલુકાના કઠાણા પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 06 ગામો બદલપુર, કાલુ, કાંધરોટી, બનેજડા, ડાલી અને કઠાણા ગામના રહીશો માટે, ખંભાત તાલુકાના ગોલાણા પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 10 ગામો ભીમતળાવ, નવાગામ બારા, વૈણજ, આખોલ, વડગામ, રોહિણી, પાંદડ, તરકપુર, ગોલાણા અને મીતલી ગામના રહીશો માટે અને આંકલાવ તાલુકાના અંબાલી પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 12 ગામો અંબાલી, આમરોલ, ભેટાસી(બા), ભેટાસી(વા), કહાનવાડી, આસરમા, ઉમેટા, ભાણપુરા, કંથારીયા, ભેટાસી(ત),  હઠીપુરા અને માનપુરા ગામના ગ્રામજનો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનો રાજ્ય સરકારની વિવિધ 55 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે મેળવી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.