તા.૨૪ ઓક્ટોબરે આણંદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન તથા આણંદ જિલ્લામાં વિવિધ આરોગ્ય સંસ્થાઓનું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત
આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ વધારવા માટે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિકાસકામોની ભેટ અપાશે
આણંદ, શુક્રવાર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવારના રોજ આણંદ જિલ્લામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનું અને વિવિધ આરોગ્ય સંસ્થાઓનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ સવારે ૧૦:૩૦ વાગ્યાથી આયોજિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જિલ્લાના તાલુકાઓમાં સ્વાસ્થ્યલક્ષી માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ કરવામાં આવશે.
આ ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આંકલાવ તાલુકાના બિલપાડ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર, ખંભાત તાલુકાના જીણજ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઉમરેઠ તાલુકાના અહીમા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર, પેટલાદ તાલુકાના પોરડા ખાતે પ્રાથમિક શાળા, તારાપુર તાલુકાના કાનાવાડા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર અને બોરસદ તાલુકાના બદલપુર ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની વિધિ કરવામાં આવશે.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા અને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભાઈ સીંધા, આણંદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયત આણંદની જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી દક્ષાબેન સોલંકી વિશેષ ઉપસ્થિત રહેશે.