તારીખ 9 અને 10 સપ્ટેમ્બર ના રોજ આણંદમાં યોજાનાર UGC-NET પરીક્ષાના સુચારુ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો જાહેર
Publish Date : 07/09/2026
પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો મનાઈ હુકમ
આણંદ, શનિવાર , આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આયોજિત UGC-NET ની પરીક્ષાનું સુચારૂ અને નિષ્પક્ષ સંચાલન થાય અને પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ એક જાહેરનામું બહાર પાડીને પરીક્ષા કેન્દ્રોની આસપાસ વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ આદેશ આગામી તા. ૦૯/૦૯/૨૦૨૬ થી તા. ૧૦/૦૯/૨૦૨૬ દરમિયાન દરરોજ સવારના ૦૮:૦૦ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામા અનુસાર, આણંદ જિલ્લામાં નિર્ધારિત કરવામાં આવેલા વલ્લભ વિદ્યાનગર સ્થિત દર્શ ઇન્ફોટેકના પરીક્ષા કેન્દ્રનો સમાવેશ થાય છે, આ પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થીઓ અને અધિકૃત કર્મચારીઓ સિવાય અન્ય કોઈપણ બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ થી ૩૦૦ મીટરના વિસ્તારમાં આવેલા તમામ ઝેરોક્ષ મશીનો, સાયબર કાફે અને ફોટોકોપી સેન્ટરો પરીક્ષાના સમયગાળા સવારના ૮-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક દરમિયાન સંપૂર્ણપણે બંધ રાખવાના રહેશે.
પરીક્ષાની સુરક્ષાને વધુ સદ્રઢ બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના દુરુપયોગ ઉપર પણ કડક રોક લગાવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રમાં સરકારી પ્રતિનિધિ સિવાયના કોઈપણ કર્મચારી કે પરીક્ષાર્થી માટે મોબાઈલ ફોન, બ્લૂટૂથ ઈયરપીસ તેમજ આધુનિક AI-સજ્જ મેટા ગ્લાસીસ કે મિનિએચર સ્પાય કેમેરા જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષા કામગીરીમાં રોકાયેલા અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યક્તિ ચાર કરતા વધારે વ્યક્તિઓએ ભેગા થવું નહીં અથવા કોઈ સભા સરઘસ કાઢવા નહીં. આ સાથે જ પરીક્ષા દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે લાઉડસ્પીકર, મ્યુઝિક બેન્ડ કે ડી.જે. સિસ્ટમ વગાડવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.