Close

તારીખ 5 સપ્ટેમ્બર ના રોજ આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને સમરસ વિદ્યાસેતુ અભિયાનનો યોજાશે ત્રિવેણી સંગમ

Publish Date : 03/09/2026

મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મંત્રીશ્રી સંજયસિંહ મહીડા અને મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે બાકરોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનું થશે સન્માન

શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર ગુરુજનો અને પુનઃ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો આણંદ જિલ્લા વહીવટી તંત્રનો ઉમદા પ્રયાસ

આણંદ, બુધવાર, આણંદ ખાતે આગામી ૫ સપ્ટેમ્બર, શનિવારના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૬ના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ વિતરણની સાથે સાથે ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’ અંતર્ગત વિવિધ શૈક્ષણિક પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. બાકરોલ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે સવારે ૧૧:૦૦ કલાકે યોજાનારા આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર મહાનુભાવો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવશે.

આ ગરિમામય સમારોહમાં ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, તેમની સાથે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસૂલ તથા આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી સંજયસિંહ મહીડા તેમજ નાણાં અને પોલીસ આવાસ રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ પણ હાજર રહી શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓને પ્રોત્સાહિત કરશે.

આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ અને જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી જીલુભા સિંધા, સહિત આણંદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન વાઘેલા ઉપસ્થિત રહેશે.

શિક્ષણ સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસંદ થયેલા ઉત્કૃષ્ટ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, સમરસ વિદ્યાસેતુ કાર્યક્રમ હેઠળ જે વિદ્યાર્થીઓ શાળાના અભ્યાસમાં પરત ફર્યા છે તેમને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.

આ પ્રસંગે માત્ર શ્રેષ્ઠ શિક્ષકો જ નહીં, પરંતુ પ્રતિભાશાળી બાળકો અને શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળાઓને પણ એવોર્ડ આપી નવાજવામાં આવશે અને ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે.