તારીખ 25 સપ્ટેમ્બર ના રોજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ આણંદ જિલ્લાના પ્રવાસે: ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીઓની લેશે મુલાકાત
Publish Date : 25/09/2026
કરમસદ અને સંદેસરમાં રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ આંગણવાડીના બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કરશે
આણંદ, ગુરૂવાર, ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો) તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવારના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે પધારશે. આ પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી જિલ્લામાં કાર્યરત ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમમાં સહભાગી થઈ આંગણવાડી કેન્દ્રોની પ્રત્યક્ષ મુલાકાત લેશે.
રાજ્યમંત્રીશ્રી ૨૫મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કરમસદના જૂની મેડી જિટોડિયા આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચશે. અહીં તેઓ ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમમાં હાજરી આપી બાળકો અને વાલીઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધી મંત્રીશ્રી આંગણવાડીના લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે અને ત્યાં પીરસવામાં આવતા પોષણયુક્ત આહાર તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરશે.
કરમસદની મુલાકાત પૂર્ણ કર્યા બાદ રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ સવારે ૧૧:૦૦ કલાકે સંદેસર જવા રવાના થશે. તેઓ સવારે ૧૧:૩૦ કલાકે સંદેસર સ્થિત પ્રીતમ બાલમંદિર આંગણવાડી કેન્દ્ર પર પહોંચશે. અહીં ૧૧:૩૦ થી ૧૨:૩૦ કલાક દરમિયાન આયોજિત ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.