તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજોનોને આવક મર્યાદા અને બીપીએલ સ્કોર બાધ સિવાય માસિક રૂ. ૧૦૦૦/-નુ પેન્શન મળવા પાત્ર
Publish Date : 20/12/2025
આણંદ જિલ્લાના દિવ્યાંગજનોને અરજી કરવા અનુરોધ
૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને સંતસુરદાસ યોજના (દિવ્યાંગ પેન્શન યોજના) હેઠળ લાભ મળશે
૫૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને બૌદ્ધિક અસર્મથતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિઓને આર્થીક સહાય આપવાની યોજના અમલમાં
૪૦% કે તેથી વધુ સ્નાયુઓની વિકૃતિ અને દીર્ધકાલીન જ્ઞાનતંત્રીય બીમારી ધરાવતા દિવ્યાંગજનો માટે આર્થીક સહાયની યોજના
લાભાર્થીઓએ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
આણંદ, શનિવાર: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતાની વિવિધ દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. જે અંતર્ગત દિવ્યાંગ પેન્શન યોજના (સંતસુરદાસ યોજના) હેઠળ જેમા ૬૦% કે તેથી વધુ અંધત્વ, લો વિઝન, શ્રવણમંદતા, વાચા અને ભાષાની દિવ્યાંગતા, શારીરિક હલનચલનની દિવ્યાંગતા, માનસિક બીમારી, શીખવાની દિવ્યાંગતા, બહુદિવ્યાંગતા, લેપ્રસી ક્યોર્ડ, ઠીંગણાપણુ, બહુવિધ સ્કેલેરોસિસ, થેલેસીમીયા, રક્તસ્ત્રાવ, એનેમીયા, એસીડ હુમલાનો ભોગ બનેલા, અને કંપવાત જેવી દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે,
૫૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને બૌદ્ધિક અસર્મથતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિઓને આર્થીક સહાય આપવાની યોજનામાં બૌદ્ધિક અસર્મથતા, સેરેબ્રલ પાલ્સી અને ઓટીસમ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો પણ આર્થિક સહાય મેળવવા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
૪૦% કે તેથી વધુની સ્નાયુઓની વિકૃતિ અને દીર્ધકાલીન જ્ઞાનતંત્રીય બીમારી ધરાવતા દિવ્યાંગજનો પણ આર્થિક સહાય મેળવવા ઓનલાઈન અરજી કરી શકે છે.
આ ત્રણ યોજનામાં દિવ્યાંગ વ્યક્તિને માસિક રૂ. ૧૦૦૦/-ની આર્થીક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા દિવ્યાંગ લાભાર્થીઓ પાસે યુ.ડી.આઈ.ડી કાર્ડ અને દિવ્યાંગતાનુ સિવિલ હોસ્પિટલનુ સર્ટીફીકેટ હોવુ ફરજીયાત છે.
આ ફોર્મ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઈન ભરી શકાય છે, દિવ્યાંગ લાભાર્થી પોતે અથવા ગ્રામ પંચાયતના વી.સી.ઈ મારફતે પણ ઓનલાઈન ભરી શકે છે, અથવા સમાજ સુરક્ષા કચેરી ખાતેથી પણ ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવે છે.
વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ભોંયતળીયે, જુની કલેક્ટરશ્રીની કચેરી, સર્કિટ હાઉસની બાજુમાં અમુલ ડેરી સામે, આણંદ ફોન નં. (૦૨૬૯૨) ૨૫૩૨૧૦ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.