જીવામૃતઃ ખેડૂત માટે પ્રાકૃતિક ખેતીનું જીવનદાન”
Publish Date : 17/07/2025
આણંદ,ગુરુવાર: રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડના સતત ઉપયોગથી જમીનમાં પોષક તત્વોની ઉણપ અને અગત્યના સૂક્ષ્મજીવોમાં અસંતુલન થાય છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત ઘણી મહત્વપૂર્ણ બની રહી છે.
પ્રાકૃતિક ખેતી એટલે એક પણ રાસાયણિક ખાતર કે ઝેરી કેમીકલ (પેસ્ટિસાઈડ) વિના પાકને ફળદ્રુપ, પૌષ્ટિક અને સ્વસ્થ કરતી ખેતી. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના છાણ (ગોબર), દેશી ગાયના ગૌમૂત્ર, જીવામૃત, ધન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, અને વાપ્સા (ભેજ)ના ઉપયોગ થાય છે. જેમાં જીવામૃત વિષે વાત કરીએ તો જીવામૃત ખેડૂત માટે પ્રાકૃતિક ખેતીનું જીવનદાન કહી શકાય.
છાણ,દેશી જીવામૃત દેશી ગાયનું ગૌમૂત્ર, દાળના લોટ, માટી અને પાણી ભેગું કરીને ૨-૭ દિવસમાં તૈયાર થતું જમીનને પોષક તત્વો આપતું ખાતર છે. જેના કારણે જમીનમાં સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વધે છે. જે કાર્બન, નાઈટ્રોજન, ફોસ્ફોરસ, પોટેશિયમ, સૂક્ષ્મ પોષક તત્વો અને જમીન માટે ફાયદાકારક બેક્ટિરિયા સ્થાનાંતર કરે છે.
જીવામૃત બનાવવાની રીતની વાત કરીએ તો – સૌ પ્રથમ એક ૨૦૦ લિટરના ડ્રમમાં ૧૮૦ લિટર પાણી ઉમેરો ત્યારબાદ ૧૦ કિલો તાજુ દેશી ગાયનું છાણ, ૧૦ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૨ કિલો દાળનો લોટ, ૨ કિલો ગોળ અને ૧૦૦ ગ્રામ વડની નીચેની માટી/જંગલની માટી ઉમેરો. આ બધી વસ્તુઓ મિશ્ર કર્યા પછી, આ મિશ્રણને ૨-૩ દિવસ માટે છાયામાં રાખો. આ મિશ્રણને ૭ દિવસ સુધી દરરોજ બે વાર સવાર-સાંજ ઘડીયાળના કાંટા ફરવાની દિશામાં લાકડાના ડંડાથી બે મિનીટ ફેરવવું.
આ મિશ્રણના સડવાથી એમોનિયા, કાર્બન ડાયોક્સાઈડ, મિથેન જેવા હાનિકારક વાયુનું નિર્માણ થતું હોવાથી જીવામૃતને કોથળાથી ઢાંકી દેવું.ત્યારબાદ જીવામૃત ઉપયોગ માટે તૈયાર થઈ જશે.
જીવામૃતના ઉપયોગની વાત કરી એ તો- એક એકર જમીન માટે ૨૦૦ લિટર જીવામૃત મિશ્રણની જરૂર રહે છે. ખેડૂતે મહિનામાં બે વાર તેના પાક પર છંટકાવ કરવો પડશે. તેને સિંચાઈના પાણીમાં ભેળવીને પણ વાપરી શકાય છે.
જીવામૃત બન્યા બાદ તેને શિયાળામાં ૦૮-૧૫ દિવસની અંદર ઉપયોગ કરી શકાય છે. તેમજ ઉનાળામાં ૦૭ દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.
જીવામૃતના લાભાલાભ
જમીનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ સહિત તમામ પોષક તત્વો મળી રહે છે.
જીવામૃતથી સૂક્ષ્મજીવો વધુ છે, જેથી હ્યુમસ બને છે અને જમીન નરમ થાય છે.
જીવામૃત રોગપ્રતિકારક પાકની શક્તિ વધારે છે, જેથી પાકની કુલ ઉત્પાદનશક્તિ વધે છે.
રાસાયણિક ખાતર/જંતુનાશકનો ઉપયોગ થતો ન હોય ખેતી ખર્ચ ઘટાડે છે.
સમગ્ર રીતે રાસાયણ મુક્ત હોવાથી માટી, પાણી અને પર્યાવરણ પર કુદરતી અસર કરે છે.
જીવામૃત ઘરની સામગ્રીમાંથી ખૂબ જ ઓછી કિંમતમાં તૈયાર થઈ જાય છે.
આમ, ખેડૂત વર્ગ માટે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતના ઉપયોગ જીવનદાન બની શકે એમ છે.