Close

જીલ્લા પોલીસ અધિક્ષક કચેરી આણંદ દ્વારા “પ્રોજેક્ટ સ્પંદન” અંતર્ગત રિસર્ચ ઇન્ટર્નશીપની જાહેરાત: લાયક ઉમેદવારો માટે સુવર્ણ તક

Publish Date : 21/07/2026

તા. 27 જુલાઈ 2026 ને સોમવાર સુધીમાં અરજી કરવાની રહેશે

આણંદ, સોમવાર, આણંદ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત પોલીસમાં સંશોધન અને આધુનિકીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી “પ્રોજેક્ટ સ્પંદન” (Establishment of Research Fund For Gujarat Police) અંતર્ગત ઇન્ટર્નશીપની એક નવતર તક જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસિંગ ક્ષેત્રે નૂતન વિચારો અને સંશોધનોનો સમાવેશ કરવાનો છે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવી શકાય. આ વિશેષ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ અંતર્ગત કુલ ૦૩ (ત્રણ) જગ્યાઓ માટે લાયક અને ઉત્સાહી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે, જે પોલીસ અધિક્ષકની કચેરી, આણંદ ખાતે મોકલવાની રહેશે.

આ ઇન્ટર્નશીપ કાર્યક્રમમાં જોડાવા માટે માન્ય યુનિવર્સિટીના ચાલુ વર્ષ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા તાજેતરના સ્નાતકો (Graduates) અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), કમ્પ્યુટર સાયન્સ અથવા સાયબર સિક્યુરિટી, સોશિયોલોજી અથવા સાયકોલોજી, મેનેજમેન્ટ અથવા પોલીસિંગ સંબંધિત વિષયો, કાયદો (Law), ક્રિમિનોલોજી અને પબ્લિક પોલિસી જેવા વિવિધ ક્ષેત્રોના વિદ્યાર્થીઓ આમાં ભાગ લેવા માટે પાત્ર ઠરશે. આ ઇન્ટર્નશીપ યુવા પેઢીને પ્રત્યક્ષ પોલીસિંગ વ્યવસ્થા અને રિસર્ચનો પ્રાયોગિક અનુભવ મેળવવાની ઉત્કૃષ્ટ તક પૂરી પાડે છે.

લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ આગામી તારીખ ૨૭/૦૭/૨૦૨૬, સોમવાર સુધીમાં પોતાની સંપૂર્ણ વિગતો સાથે અરજી મોકલી આપવાની રહેશે. ઉમેદવારો સત્તાવાર ઇમેઇલ આઇડી sp-and@gujarat.gov.in પર અથવા વધુ માહિતી માટે સંપર્ક નંબર +91 94260 44186 પર સંપર્ક કરી શકે છે. અરજદારોએ નિયત સમયમર્યાદા માં અરજીઓ મોકલી આપવા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.