Close

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આણંદ જિલ્લામાં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ૨૫૨ વિદ્યાર્થીઓ પુનઃ શાળામાં આવતા થયાં

Publish Date : 05/05/2025

શિક્ષણ વિભાગના કર્મયોગીઓએ બાળકો અને તેમના વાલીઓ સાથે કાઉન્સિલિંગ કરતાં ડ્રોપ આઉટ થયેલા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો.

“એક કદમ શાળા તરફ” પ્રોજેક્ટ અંતર્ગત શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને આવકારાયા.

આણંદ, શનિવાર: ગુજરાતનું પ્રત્યેક બાળક શાળાએ જાય અને અધવચ્ચેથી શાળા છોડી ના જાય તે માટે સમગ્ર રાજયમાં બે દાયકા કરતાં વધુ સમયથી રાજય સરકારે શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી શિક્ષણનો મહાયજ્ઞ આરંભ્યો છે. જેના પરિણામ સ્વરૂપે શાળાઓમાં બાળકોના ૧૦૦ ટકા નામાંકનની સાથે ડ્રોપ આઉટ રેટમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

રાજયના તમામ બાળકો શિક્ષણ મેળવી સુ-સંસ્કારીત બને તેવા શુભઆશય સાથે આરંભાયેલા આ યજ્ઞકાર્યમાં આહૂતિરૂપ કાર્ય આણંદ જિલ્લા વિકાસ અધિકારીની દિર્ઘદ્રષ્ટીના કારણે થયું છે, જેના પરિણામે જિલ્લામાં શાળા છોડી ગયેલા ૨૫૨ બાળકોએ પુન: પ્રવેશ મેળવ્યો છે.

વાત જાણે એમ છે કે, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓ ખાતેથી અધવચ્ચેથી શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓની વિગતો ચકાસતા હતા તેવા સમયે આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ ના બે વર્ષ દરમિયાન ધોરણ ૧ થી ૮ માં કેટલાક ભૂલકાંઓએ વિવિધ કારણોસર અધવચ્ચેથી શાળા છોડી દીધાનું તેમના ધ્યાને આવ્યું.

જિલ્લાની શાળામાંથી અધવચ્ચેથી અભ્યાસ છોડી ગયેલા બાળકો પુન: શાળામાં આવતા થાય તે માટે સુશ્રી દેવાહુતીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડો. અર્ચનાબેન પ્રજાપતિ સમક્ષ ચિંતા વ્યક્ત કરી જે વિદ્યાર્થીઓ અધવચ્ચેથી શાળા છોડી ગયા છે તેમના વાલીઓનો તાત્કાલિક રીતે સંપર્ક કરીને આવા વાલીઓનું કાઉન્સિલિંગ કરી તેમને તેમના બાળકોને પુન: શાળામાં ભણવા મોકલવા સમજુત કરવા અને આ માટે તેમને જે કંઈ પણ તકલીફ પડતી હોય તો તેનું હકારાત્મક નિરાકરણ લાવવા જણાવ્યું.

એટલું જ નહી પરંતુ વાલીઓ ઉપરાંત તેમના બાળકો સાથે પણ શિક્ષણ વિભાગના કર્મચારીઓને વાત કરવા જણાવી બાળકનું ભવિષ્ય બગડે નહીં તે માટે કોઈપણ સંજોગોમાં બાળક ભણવા માંગતું હોય તો તેવા બાળકોને પ્રાથમિક શાળાઓ ખાતે “એક કદમ શાળા તરફ” કાર્યક્રમ અંતર્ગત પુનઃ પ્રવેશ આપવા અને હવે પછી કોઈપણ બાળક અધવચ્ચેથી શાળા ન છોડી જાય તેની જવાબદારી જે તે શાળાના આચાર્યને આપવા જણાવ્યું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા વ્યક્ત કરવામાં આવેલ ચિંતાને ધ્યાને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીએ તાકીદે આણંદ જિલ્લાના સી.આર.સી, બી.આર.સી અને સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓ મળી કુલ ૧૨૯ જેટલા લોકોની ટીમ બનાવીને અધવચ્ચેથી શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓનું અને તેમના વાલીઓની ડોર ટુ ડોર મુલાકાત, સંપર્ક કરીને વાલીઓનું ત્રણ ત્રણ વાર કાઉન્સિલિંગ કરતાં તેમને જાણવા મળ્યું કે, બાળકોને ઘરની જવાબદારી, આર્થિક સમસ્યા, કૌટુંબિક સમસ્યા, વિકલાંગતા, અનાથ, સ્થળાંતર થયેલા હોય, ઘરથી શાળાનું અંતર વધુ હોય, ભણવામાં રસ ન હોય તેવા કારણોસર બાળકોને અધવચ્ચેથી શાળા છોડવાની ફરજ પડી હતી.

શિક્ષણ વિભાગના કર્મચારીઓની કામગીરીની ફળશ્રુતિના પરિણામે ૧૧૮ કુમાર અને ૧૩૪ કન્યાઓ મળી કુલ ૨૫૨ જેટલા વિદ્યાર્થીઓએ પુનઃ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આ બાળકોમાં આણંદ તાલુકામાં ૮૮, આંકલાવ તાલુકામાં ૧૮, બોરસદ તાલુકામાં ૨૦, ખંભાત તાલુકામાં ૫૮, પેટલાદ તાલુકામાં ૩૩, સોજીત્રા તાલુકામાં ૦૪, તારાપુર તાલુકામાં ૦૫ અને ઉમરેઠ તાલુકામાં ૨૬ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

પુન: પ્રવેશ પામેલા આ ૨૫૨ વિદ્યાર્થીઓ પૈકી બાલવાટિકામાં ૦૨, પહેલા ધોરણમાં ૨૪,  બીજા ધોરણમાં ૧૨,  ત્રીજા ધોરણમાં ૨૨, ચોથા ધોરણમાં ૧૩, પાંચમાં ધોરણમાં ૩૦, છઠ્ઠા ધોરણમાં ૧૯, સાતમાં ધોરણમાં ૩૯ અને આઠમાં ધોરણમાં ૯૧ વિદ્યાર્થીઓએ પુનઃ પ્રવેશ મેળવ્યો છે.

નોંધનિય છે કે, છેલ્લા બે વર્ષ દરમિયાન શાળા છોડી ગયેલા ૨૫૨ વિદ્યાર્થીઓને પુન: પ્રવેશ અપાયા બાદ હજુ પણ જો કોઈ બાળકો બાકી રહેતા હોય તો તેવા કિસ્સામાં તે બાળકો અને તેમના વાલીઓનું કાઉન્સિલિંગ કરીને તેમને પુન: શાળામાં પ્રવેશ આપવાની કામગીરી જિલ્લાના શિક્ષણ વિભાગના કર્મયોગીઓ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણથી વંચિત ન રહે, દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે અને અધવચ્ચેથી શાળા ન છોડી જાય તે માટે શરૂ કરવામાં આવેલ “એક કદમ શાળા તરફ” પ્રોજેક્ટ નો ઉદ્દેશ સ્પષ્ટ કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, શાળામાં ડ્રોપાઉટ રેટ ઘટે, બાળકોનું શાળામાં સ્થાયીકરણ થાય, તેમને રસપ્રદ શિક્ષણ અને જીવનલક્ષી શિક્ષણ મળી રહે તથા કન્યા શિક્ષણનું મહત્વ સમજાય તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આણંદ જિલ્લામાં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ૨૫૨ વિદ્યાર્થીઓ પુનઃ શાળામાં આવતા થયાં 2

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આણંદ જિલ્લામાં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ૨૫૨ વિદ્યાર્થીઓ પુનઃ શાળામાં આવતા થયાં

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આણંદ જિલ્લામાં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ૨૫૨ વિદ્યાર્થીઓ પુનઃ શાળામાં આવતા થયાં 3

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આણંદ જિલ્લામાં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ૨૫૨ વિદ્યાર્થીઓ પુનઃ શાળામાં આવતા થયાં

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આણંદ જિલ્લામાં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ૨૫૨ વિદ્યાર્થીઓ પુનઃ શાળામાં આવતા થયાં 1