જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટર કચેરી ખાતે DLCC બેઠક યોજાઈ: તારીખ ૨૧ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન જિલ્લામાં DFS સેચ્યુરેશન અભિયાન યોજાશે

Publish Date : 21/10/2026

આણંદમાં બેંકિંગ, વીમા અને પેન્શન યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા DFS સેચ્યુરેશન અભિયાન હાથ ધરાશે

આણંદ, સોમવાર , ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS) સેચ્યુરેશન અભિયાનના પ્રારંભ અને અમલીકરણ માટે આણંદ કલેક્ટર કચેરી ખાતે વિશેષ જિલ્લા સ્તરીય સંકલન સમિતિ (DLCC) બેઠક યોજાઇ હતી. આ અભિયાન તારીખ ૨૧ મી ઓક્ટોબર ૨૦૨૬ થી તારીખ ૩૧ મી ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન સમગ્ર આણંદ જિલ્લાની દરેક ગ્રામ પંચાયત તેમજ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા (ULB) ક્ષેત્રે યોજાશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજનાઓનો વ્યાપ વધારી સંપૂર્ણ લાભ જિલ્લાના પાત્ર નાગરિકો સુધી સુનિશ્ચિત કરવાનો છે.

 આ અભિયાન દરમિયાન પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY) હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોનું નોંધણી કાર્ય હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, બેંક ખાતાઓ અને લોકરમાં નોમિનેશન અપડેશન, CKYC તેમજ રી-KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સાથે જ, નાગરિકોને ડિજિટલ નાણાકીય છેતરપિંડીથી બચાવવા માટે સુરક્ષિત ડિજિટલ બેંકિંગ પદ્ધતિઓ અંગે વ્યાપક જાગૃતિ કેળવવામાં આવશે તેમ બેઠકમાં જણાવાયુ હતુ.

 બેઠક દરમિયાન બેંક શાખાઓ, ગ્રામ પંચાયતો, શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સંબંધિત સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સક્રિય સંકલન જાળવવા પર ખાસ ભાર મુકાયો હતો.  તેમજ આ કાર્યક્રમના ભાગરૂપે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.  જે અંતર્ગત ગુજરાત ગ્રામીણ બેંકની પાંચોરા શાખાના મૃત્યુ પામેલા પાંચ લાભાર્થીઓના નોમિનીઓ ને PMJJBY અને PMSBY વીમા યોજના હેઠળ વીમા દાવાની સહાય રકમ સુપ્રત કરવામાં આવી હતી. આ દાવાઓના ઝડપી નિકાલથી શોકગ્રસ્ત પરિવારોને આર્થિક ટેકો મળવાની સાથે સામાજિક સુરક્ષા યોજનાઓનું મહત્વ પણ રેખાંકિત થયું છે.

 આ બેઠકમાં, લીડ બેંક કચેરી, આણંદના લીડ જિલ્લા મેનેજરશ્રી (LDM) દ્વારા જિલ્લાના તમામ હિતધારકો અને સંબંધિત અધિકારીઓને આ DFS સેચ્યુરેશન અભિયાનને સફળ બનાવવા સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. જેથી બેંકિંગ, વીમા, પેન્શન અને સુરક્ષિત ડિજિટલ નાણાકીય સેવાઓનો લાભ આણંદ જિલ્લાના દરેક છેવાડાના પાત્ર નાગરિક સુધી પહોંચાડી શકાય.

 આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી , જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી સહિત લીડ બેંકના અધિકારીઓ તેમજ યોજના હેઠળના લાભાર્થીઓ અને સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ આણંદના લીડ જિલ્લા મેનેજરશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.