જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર – કલેક્ટર કચેરી આણંદ દ્વારા નાગરિકોને ‘સચેત (SACHET)’ એપ ડાઉનલોડ કરવા અપીલ
Publish Date : 04/06/2026
આપત્તિઓની વહેલી ચેતવણી માટે “સચેત” એપ ડાઉનલોડ કરો
રીઅલ-ટાઈમ એલર્ટ અને હવામાનની સચોટ માહિતી આપતી એપ્લિકેશન હવે ગુજરાતી સહિત ૧૨ ભાષાઓમાં ઉપલબ્ધ
આણંદ, બુધવાર , આણંદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી આણંદ દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોને ભારત સરકારની સત્તાવાર માહિતી આપત્તિ ચેતવણી એપ્લિકેશન “સચેત, મૌસમ, દામિની” ડાઉનલોડ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
ચોમાસાની શરૂઆત અને સંભવિત આફતો વચ્ચે આ એપ નાગરિકોના જીવન અને માલસામાનની સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ભારતીય હવામાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી આ એપનો મુખ્ય હેતુ નાગરિકોને પૂર, વાવાઝોડું, ધરતીકંપ, ભૂસ્ખલન અને વીજળી પડવી જેવી કુદરતી આપત્તિઓ વિશે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર આધારિત વહેલી ચેતવણી રીઅલ-ટાઈમમાં આપવાનો છે.
આ ઉપરાંત, તેમાં ભારતીય હવામાન વિભાગ તરફથી રોજિંદા હવામાનના અહેવાલો અને આગામી દિવસોની સચોટ આગાહીઓ પણ ઉપલબ્ધ છે. ભાષાકીય સરળતા માટે આ એપ ગુજરાતી સહિત ભારતની ૧૨ પ્રાદેશિક ભાષાઓમાં કાર્ય કરે છે.
એપ્લિકેશનમાં આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું, કટોકટીના હેલ્પલાઈન નંબરો અને પ્રભાવિત વિસ્તારોના નકશા જેવી મહત્વપૂર્ણ માહિતી પણ સામેલ છે.
આ એપને ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર સર્ચ કરીને અથવા સત્તાવાર લિંક Sachet -https://sachet.ndma.gov.in/DownloadMobileApp ,
Mausam-https://play.google.com/store/apps/details?id=com.imd.masuam,Damini https://play.google.com/store/apps/details?id=com.lightening.app.damini, પરથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકાય છે.
જિલ્લા વહીવટી તંત્ર, આણંદ દ્વારા જિલ્લાના નાગરિકોને વધુ સુરક્ષા અને સમયસર ચેતવણી માટે ‘સચેત’ એપ ડાઉનલોડ કરવા અપીલ કરવામાં આવી છે.