જિલ્લાની શાળાઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ: શિક્ષણ વિભાગે સુરક્ષા અને ગોપનીયતા અંગે માર્ગદર્શિકા જાહેર કરી

Publish Date : 23/10/2026
જિલ્લાની શાળાઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ: શિક્ષણ વિભાગે સુરક્ષા અને ગોપનીયતા અંગે માર્ગદર્શિકા જાહેર કરી

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ‘ઇન લોકો પેરેન્ટિસ’ સિદ્ધાંત હેઠળ આચાર્યની પૂર્વ મંજૂરી ફરજિયાત: નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ કાર્યવાહીની જોગવાઈ

શાળા પરિસરમાં પરવાનગી વગર ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને સોશિયલ મીડિયા લાઈવ સ્ટ્રીમિંગ કરવા પર રાજ્ય સરકારનો રોક

આણંદ, ગુરૂવાર, રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા, ગરિમા અને ગોપનીયતાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત પરિપત્ર મુજબ, હવેથી રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ આચાર્યની લેખિત મંજૂરી વિના પ્રવેશ કરી શકશે નહીં. આ નિર્ણય ભારતના બંધારણની કલમ-૨૧ હેઠળ બાળકોને મળેલા જીવન અને ગોપનીયતાના અધિકાર તેમજ સર્વોચ્ચ અદાલતના સીમાચિહ્નરૂપ ચુકાદાઓના અમલીકરણના ભાગરૂપે લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ‘ઇન લોકો પેરેન્ટિસ’ એટલે કે વાલી સમાન જવાબદારીના સિદ્ધાંત હેઠળ બાળકોના કલ્યાણ માટે કટિબદ્ધ હોવાનું આદેશમાં જણાવાયું છે.

શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, શાળામાં આવતા દરેક મુલાકાતીએ પ્રવેશ કરતા પહેલા મુલાકાતી રજિસ્ટરમાં પોતાની સંપૂર્ણ વિગતો નોંધવી ફરજિયાત રહેશે. કોઈપણ બાહ્ય વ્યક્તિ શાળાના વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય કે રમતગમતના મેદાન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આચાર્ય કે સત્તાવાર કર્મચારીની હાજરી અને પૂર્વ મંજૂરી વગર જઈ શકશે નહીં. માત્ર સરકારી અધિકારીઓ જેઓ પોતાની સત્તાવાર ફરજ પર હોય, તેમને જ આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સૂચનાઓનો હેતુ શાળાઓમાં સુરક્ષિત અને શોષણમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે.

ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓની પ્રાઈવસી જાળવવા માટે સરકારે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી અંગે પણ કડક વલણ અપનાવ્યું છે. આચાર્યની લેખિત મંજૂરી વિના કોઈપણ વ્યક્તિ વિદ્યાર્થીઓ કે શિક્ષકોના ફોટા પાડી શકશે નહીં અથવા વીડિયોગ્રાફી અને લાઈવ સ્ટ્રીમિંગ કરી શકશે નહીં. શાળા સત્તાધીશોએ એ પણ સુનિશ્ચિત કરવાનું રહેશે કે વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કે ફોટાઓનો સંગ્રહ અથવા પ્રસાર ન થાય, જેનાથી તેમના ગૌરવ કે સુરક્ષાને આંચ આવે. આ પ્રકારની પ્રવૃત્તિઓ માત્ર કાયદેસરના હેતુસર અને સત્તાવાર પરવાનગી બાદ જ માન્ય રાખવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરે, પરવાનગી વગર પ્રવેશ કરે અથવા શાળા છોડવાનો ઇનકાર કરે, તો આચાર્યને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની સત્તા આપવામાં આવી છે. આવા કિસ્સાઓમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩, પોક્સો (POCSO) એક્ટ ૨૦૧૨, કિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ અને માહિતી ટેકનોલોજી અધિનિયમ ૨૦૦૦ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાળાના શૈક્ષણિક વાતાવરણ અને શિસ્તને જાળવી રાખવા માટે આચાર્ય કોઈપણ શંકાસ્પદ મુલાકાતીને પ્રવેશ નકારવાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે. તમામ નિરીક્ષણ અધિકારીઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.