ચોમાસાના પ્રારંભે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ
Publish Date : 30/07/2026
છત પર જમા થતા પાણીનો નિકાલ કરી મચ્છરજન્ય રોગોથી બચવા અનુરોધ
આણંદ, બુધવારઆણંદ જિલ્લામાં હાલમાં વરસાદી સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ગંભીર મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા માટે નાગરિકોને ખાસ તકેદારી રાખવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આણંદ દ્વારા જણાવાયું છે.
આ માટે દરેક નાગરિકે પોતાના ઘરની છત, ઓફિસની છત, વિવિધ સંસ્થાઓના કાર્યસ્થળોની છત તેમજ શાળા, કોલેજ અને કચેરીઓની છત પર ખાસ તપાસ કરવાની જરૂર છે. વરસાદી પાણી ક્યાંય પણ એકત્રિત ન થાય તેની ખાતરી કરવી અત્યંત આવશ્યક છે કારણ કે સ્થિર પાણી મચ્છરો માટેના ઉત્પત્તિ સ્થાન બની શકે છે, જે જાહેર આરોગ્ય માટે મોટું જોખમ ઊભું કરે છે.
જો તપાસ દરમિયાન છત પર કે રહેણાંક વિસ્તારની આસપાસ ક્યાંય પણ વરસાદી પાણી જમા થયેલું જોવા મળે, તો તેનો કોઈ પણ વિલંબ કર્યા વિના ત્વરિત નિકાલ કરવો જોઈએ. આ સાથે જ ઘરની આસપાસ ભરાયેલા પાણીને દૂર કરીને સંપૂર્ણ સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. આવા નાના અને સાદા ઉપાયો અજમાવીને મચ્છરજન્ય રોગોના જોખમને ટાળી શકીએ છીએ.
વરસાદી ઋતુમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ જ જનસામાન્યને બીમારીઓથી સુરક્ષિત રાખી શકે છે, તેથી “સ્વચ્છતા રાખો અને મચ્છરથી બચો” એ સૂત્રને અનુસરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લાના નગરજનોને ખાસ અપીલ કરવામાં આવી છે.