Close

ગ્રામ્ય સ્તરે ડિજિટલ ક્રાંતિ: હવે રેશનકાર્ડ અને વિવિધ પ્રમાણપત્રો માટે ૨૦ થી વધુ સેવાઓ ઈ-ગ્રામ કેન્દ્રો પર ઉપલબ્ધ

Publish Date : 20/07/2026

‘સુગમ ડિજિટલ ગુજરાત’ અંતર્ગત નાગરિકોને મળશે ઘરઆંગણે સહાય; VCE ઓપરેટરો ઓનલાઈન ફોર્મ ભરવામાં કરશે મદદ

આણંદ, શનિવાર, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સંચાલિત ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પોર્ટલ હેઠળ હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ૨૦ કરતા વધુ પાયાની સેવાઓ પોતાના જ ગામના ઈ-ગ્રામ કેન્દ્રો પરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે અરજદાર જાતે www.digitalgujarat.gov.in ઉપર અરજી કરી શકશે.

આ મહત્વપૂર્ણ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ નાગરિકોને સરકારી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીએ જવાની જરૂરિયાત ઘટાડી, ઘરઆંગણે જ સરળતાથી સેવાઓ પૂરી પાડવાનો છે.

ડિજિટલ સેવાઓના વ્યાપ હેઠળ નાગરિકોને ઓનલાઈન ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે દરેક ગ્રામ પંચાયત ખાતે કાર્યરત VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મિત્રની ભૂમિકા અત્યંત મહત્વની રહેશે. ગ્રામ્ય સ્તરે કાર્યરત આ ઓપરેટરો નાગરિકોને સચોટ માર્ગદર્શન આપશે અને ઓનલાઈન અરજી કરવામાં મદદ પૂરી પાડશે. આ સુવિધાને કારણે છેવાડાના માનવી સુધી ટેકનોલોજીના માધ્યમથી પારદર્શક અને ઝડપી વહીવટ પહોંચાડી શકાશે, જેનાથી નાગરિકોના સમય અને નાણાંની બચત થશે.

આ સુવિધા અંતર્ગત રેશનકાર્ડને લગતી મહત્વની સેવાઓ જેવી કે નામ ઉમેરવું, નામ કમી કરવું, સુધારો કરવો, અલગ રેશનકાર્ડની અરજી, નવું રેશનકાર્ડ મેળવવું અથવા ડ્યુપ્લીકેટ રેશનકાર્ડ માટેની અરજી હવે ગ્રામ્ય કક્ષાએથી જ કરી શકાશે. આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રો, ગુજરાત સરકાર અને ભારત સરકાર માટેના નોન-ક્રીમીલેયર પ્રમાણપત્રો, પંચાયત સ્તરના આવકના દાખલા, આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રો, જાતિના દાખલા (SC), વિચરીત વિમુક્તિ જાતિના પ્રમાણપત્રો તેમજ બિન-અનામત વર્ગના પ્રમાણપત્રો પણ ઈ-ગ્રામ કેન્દ્રો પરથી મેળવી શકાશે.

‘લાઈન છોડો, પંચાયતે પહોંચો અને ઓનલાઈન બનો’ ના સૂત્ર સાથે સુગમ ડિજિટલ ગુજરાત દ્વારા નાગરિકોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.

ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ આ સેવાઓ થકી વહીવટી પ્રક્રિયા વધુ લોકાભિમુખ અને અસરકારક બને તે માટે વધુમાં વધુ ગ્રામજનો આ ઓનલાઈન સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.