ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે ૧૮મી જાન્યુઆરીએ પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાશે
Publish Date : 15/01/2026
આણંદ અને ખેડા જિલ્લાના પૂર્વ સૈનિકોની પેન્શન અને ‘સ્પર્શ’ સહિતની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવશે
આણંદ, મંગળવાર: આણંદ અને ખેડા જિલ્લાના પૂર્વ સૈનિકોના પડતર પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે આગામી ૧૮મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે એક વિશેષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય હેતુ પૂર્વ સૈનિકોને પડતી વહીવટી અને વ્યક્તિગત મુશ્કેલીઓનું એક જ સ્થળે નિવારણ લાવવાનો છે.
આ સંમેલનમાં ખાસ કરીને પેન્શનને લગતા પ્રશ્નો, ‘સ્પર્શ’ (SPARSH) પોર્ટલ પર માઈગ્રેશન, મેડિકલ સુવિધાઓ તેમજ અન્ય પર્સનલ ઈસ્યુ અંગે વિગતવાર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સંમેલનમાં ‘સ્પર્શ’ વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ બેંકોના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે.
આણંદ જિલ્લાના તમામ પૂર્વ સૈનિકોને આ સંમેલનનો લાભ લેવા અને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે સમયસર ઉપસ્થિત રહેવા વડોદરાના મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી શ્રી દીપકકુમાર તિવારીએ એક યાદીમાં જણાવ્યું છે.