ખોરાક સલામતી કાયદા ભંગ બદલ આણંદ જિલ્લામાં ત્રણ એકમોને કરાયો દંડ
Publish Date : 22/12/2025
તંત્રનો કડક સંદેશ
સુંદર કાઠીયાવાડી, આણંદને રૂ. ૨૫,૦૦૦/-, રાણા જીવણલાલ મણીલાલ, ખંભાતને રૂ. ૧,૭૫,૦૦૦/- તથા સહયોગ રેસ્ટોરન્ટ, આણંદને રૂ. ૧,૦૦,૦૦૦/- નો દંડ કરાયો
ખોરાકની ગુણવત્તા અને સલામતી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવવામાં આવશે નહી
આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં ખોરાક સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અનુસંધાને ફુડ સેફટી ઓફીસરશ્રી, આણંદ દ્વારા સુંદર કાઠીયાવાડી, આણંદ, રાણા જીવણલાલ મણીલાલ, ખંભાત તથા સહયોગ રેસ્ટોરન્ટ, આણંદ ખાતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સુંદર કાઠીયાવાડી, આણંદમાંથી કેરીના રસનો નમૂનો, રાણા જીવણલાલ મણીલાલ, ખંભાતમાંથી Gopishri Desi Ghee નો નમૂનો તથા સહયોગ રેસ્ટોરન્ટ, આણંદમાંથી પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી તપાસના પરિણામે તમામ નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા.
આ બાબતે ફુડ સેફટી ઓફીસરશ્રી, આણંદ દ્વારા એજયુડીકેટીંગ ઓફીસર તથા નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ, આણંદની કોર્ટમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ મુજબ વિવાદિત માલિકો/સંસ્થા/પેઢીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા સંબંધિત તમામ પક્ષકારોને નોટિસ આપી તેમની રજૂઆત કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.
તમામ પુરાવાઓ અને રજૂઆતોનું સાવચેતીપૂર્વક અવલોકન કર્યા બાદ એજયુડીકેટીંગ ઓફીસર તથા નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ, આણંદની કોર્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ના ભંગ બદલ કલમ-૫૦ અને ૫૧ મુજબ દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં સુંદર કાઠીયાવાડી, આણંદને રૂ. ૨૫,૦૦૦/-, રાણા જીવણલાલ મણીલાલ, ખંભાતને રૂ. ૧,૭૫,૦૦૦/- તથા સહયોગ રેસ્ટોરન્ટ, આણંદને રૂ. ૧,૦૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાહેરહિતમાં ખોરાકની ગુણવત્તા અને સલામતી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવવામાં આવશે નહી તેવો કડક સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે.