ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને આત્મનિર્ભરતાનો માર્ગ એટલે પ્રાકૃતિક ખેતી
Publish Date : 19/02/2026
માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ કરતી પ્રાકૃતિક ખેતીના વિવિધ ફાયદાઓ
આણંદ, ગુરૂવાર: પ્રાકૃતિક ખેતી કોઇપણ રસાયણ પર આધારિત નથી જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે તેથી તેને પર્યાવરણ મિત્ર ખેતી પણ કહેવામાં આવે છે. એટલે જ ખેતીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાઈને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ આજે સમગ્ર રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને આત્મનિર્ભરતા તરફ ડગલું માંડી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારા ભાવ મળે છે જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે.
આવો આજે આપણે પર્યાવરણને બચાવતી અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવતી એવી પ્રાકૃતિક ખેતીના અનેકવિધ ફાયદાઓ વિશે જાણીએ.
પ્રાકૃતિક ખેતી એક એવી પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશકો અને અન્ય કૃત્રિમ સામગ્રીનો ઉપયોગ થતો નથી. આ પદ્ધતિ પર્યાવરણને અનુકૂળ છે અને અનેક ફાયદાઓ ધરાવે છે. અહીં પ્રાકૃતિક ખેતીના મુખ્ય ફાયદાઓ વિગતવાર સમજાવ્યા છે.
જમીનની ફળદ્રુપતામાં વધારો:: પ્રાકૃતિક ખેતીમાં પાકના અવશેષો, છાણીયું ખાતર, અળસિયાનું ખાતર અને લીલોતરી ખાતર જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ થાય છે. આનાથી જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધે છે, જે જમીનની રચના, વાયુમિશ્રણ અને પાણી સંગ્રહ ક્ષમતા સુધારે છે. પરિણામે, જમીન વધુ ફળદ્રુપ બને છે અને લાંબા ગાળે પાકનું ઉત્પાદન જળવાઈ રહે છે.
જળ પ્રદૂષણ અટકાવે છે:: રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વરસાદના પાણી સાથે ભળીને નદીઓ, તળાવો અને ભૂગર્ભજળને પ્રદૂષિત કરે છે. પ્રાકૃતિક ખેતીમાં આવા રસાયણોનો ઉપયોગ થતો ન હોવાથી જળ પ્રદૂષણ થતું નથી.
જૈવિક વિવિધતાનું સંરક્ષણ:: પ્રાકૃતિક ખેતી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ, અળસિયા અને અન્ય જીવજંતુઓને નુકસાન પહોંચાડતી નથી. આનાથી ખેતરમાં જૈવિક વિવિધતા જળવાઈ રહે છે, જે પર્યાવરણના સંતુલન માટે અત્યંત જરૂરી છે.
વાયુ પ્રદૂષણ ઘટાડે છે:: રાસાયણિક ખાતરોના ઉત્પાદન અને ઉપયોગથી ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન થાય છે. પ્રાકૃતિક ખેતી આ પ્રક્રિયાને ટાળે છે, જેનાથી વાયુ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદ મળે છે.
ખેતી ખર્ચમાં ઘટાડો:: પ્રાકૃતિક ખેતીમાં મોંઘા રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને નીંદણનાશકો ખરીદવાની જરૂર પડતી નથી. આનાથી ખેડૂતોનો ખેતી ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
ખેત ઉત્પાદનની ઊંચી કિંમત:: પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા પાકને બજારમાં સારી કિંમત મળે છે, કારણ કે ગ્રાહકોમાં ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ વધી રહી છે.
જમીનની ગુણવત્તામાં સુધારો:: પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા સુધરતા વારંવાર પાક લઈ શકાય છે, જેનાથી લાંબા ગાળે આવકમાં વધારો થાય છે.
માનવ સ્વાસ્થ્ય માટે લાભદાયક :: પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલા પાકમાં કોઈ પણ પ્રકારના હાનિકારક રસાયણો હોતા નથી, તેથી આવા પાકનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે વધુ સુરક્ષિત છે. આવા ઉત્પાદનોમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ્સ જેવા પોષક તત્વોનું પ્રમાણ વધુ હોઈ શકે છે.
પાણીનો કાર્યક્ષમ ઉપયોગ :: પ્રાકૃતિક ખેતીમાં જમીનની પાણી સંગ્રહ ક્ષમતા વધતી હોવાથી ઓછા પાણીની જરૂર પડે છે. આનાથી પાણીનો બચાવ થાય છે, જે ખાસ કરીને પાણીની અછતવાળા વિસ્તારો માટે ખૂબ જ ફાયદાકારક છે.
આમ, પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ અને જમીન માટે જ નહિ, પરંતુ ખેડૂતો અને સમગ્ર માનવજાત માટે પણ અનેક ફાયદાઓ ધરાવે છે. તે એક ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય માટેનું એક મહત્ત્વનું પગલું છે.