ખંભાતના શકરપુર ગામે અકીક ઉદ્યોગના શ્રમયોગીઓ માટે “સિલિકોસિસ યોજના” અંતર્ગત જનજાગૃતિ સેમિનાર અને નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
Publish Date : 26/05/2026
આણંદ, સોમવાર , શ્રમ તંત્ર દ્વારા ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર સંચાલિત સિલિકોસિસ યોજના અંગે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામ ખાતે “સિલિકોસિસ પીડિતો અને મૃત્યુના કિસ્સામાં વારસદારો માટે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના” અંતર્ગત ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સભ્ય સચિવશ્રી તથા અધિક શ્રમ આયુક્તશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રમ આયુક્ત તંત્ર, આરોગ્ય વિભાગ તથા શકરપુર ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી જનજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
સેમિનારમાં ઉપસ્થિત સભ્ય સચિવશ્રીએ સિલિકોસિસ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભો વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે જો કોઈ શ્રમયોગીનું સિલિકોસિસ રોગના કારણે મૃત્યુ થાય, તો તેના કાયદેસરના વારસદારોને રૂપિયા ૪,૦૦૦૦૦/- (ચાર લાખ) ની આર્થિક સહાય બોર્ડ દ્વારા ચૂકવવામાં આવે છે. તેમજ સિલિકોસિસ પીડિત દર્દીને જીવતેજીવ સારવાર અને પુનર્વસન માટે રૂપિયા ૩,૦૦૦૦૦/- (ત્રણ લાખ)ની આર્થિક સહાય આપવામાં આવે છે. તે ઉપરાંત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો તેમજ જી.એમ.ઇ.આર.એસ. (GMERS) મેડિકલ કોલેજોમાં સિલિકોસિસનું નિદાન અને સંપૂર્ણ સારવાર તદ્દન મફત ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
આ તકે સભ્ય સચિવશ્રી અને અધિકારીઓએ શ્રમયોગીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમની મૂંઝવણો અને પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ આરોગ્ય અધિકારીઓ દ્વારા અકીક ઘસવાના કામ દરમિયાન ઉડતી ઝીણી ધૂળથી બચવા માટે શ્રમયોગીઓને કામના સ્થળે ફરજિયાત અને નિયમિત રીતે માસ્કનો ઉપયોગ કરવા તથા વ્યક્તિગત સલામતીના સાધનો અપનાવવા ખાસ અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત, શ્રમયોગીઓને સમયાંતરે છાતીનો એક્સ-રે કરાવી નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે નિયમિત શારીરિક તપાસ કરાવવા માટે પણ નમ્ર અપીલ અને સલાહ આપવામાં આવી હતી.
સેમિનારમાં ઉપસ્થિત શ્રમયોગીઓને બોર્ડની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને નિયત નમૂનામાં અરજી કરવાની સરળ પ્રક્રિયા અંગે સવિસ્તાર સમજ આપવામા આવી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રમયોગીઓને યોજનાકીય માર્ગદર્શન આપતી માહિતી પુસ્તિકાઓ (બ્રોશર્સ) અને ધૂળની ડમરીઓથી બચવા માટે ફેસ માસ્કનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અંતે, અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓમાં સિલિકોસિસ અંગે વ્યાપક આરોગ્ય જાગૃતિ ફેલાય, તેઓ સુરક્ષિત કાર્યપદ્ધતિઓ અપનાવે અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મેળવી પોતાનું જીવન સુરક્ષિત કરી શકે તેવી સમજણ આપવામાં આવી હતી.
આ તકે આરોગ્ય વિભાગના તબીબો અને અધિકારીઓ દ્વારા શ્રમયોગીઓને જીવલેણ સિલિકોસિસ રોગ થવાના કારણો, તેના લક્ષણો અને તેનાથી બચવા માટે રાખવી પડતી જરૂરી સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથો સાથ કાર્યક્રમ સ્થળે હાજર રહેલા તમામ શ્રમયોગીઓની આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ નિ:શુલ્ક શારીરિક તપાસ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મદદનીશ શ્રમ આયુક્તશ્રી, સરકારી શ્રમ અધિકારીશ્રી, ફેક્ટરી ઇન્સ્પેક્ટરશ્રી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ શકરપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા તલાટી કમ મંત્રીશ્રી સહિતના સ્થાનિક અગ્રણીઓ અને વહીવટી સ્ટાફગણ તથા અકીક ઉદ્યોગ સાથે સંકળાયેલા અસંગઠિત ક્ષેત્રના આશરે ૭૦ જેટલા શ્રમયોગીઓ હાજર રહ્યાં હતાં.