કસુંબાડ ગામના નવજાત શિશુને કમરના ભાગમાં આવેલી ગાંઠની સારવાર કરાઈ
Publish Date : 11/09/2025
આર.બી.એસ.કે. ટીમની મદદથી મારા દીકરાનું ઓપરેશન વિનામૂલ્યે થયું : હીનાબેન પઢીયાર
આણંદ, બુધવાર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આર.બી.એસ.કે. ની ટીમ એમ્બ્યુલન્સ વાન સહિત ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આર.બી.એસ.કે. ની ટીમ દ્વારા નવજાત શિશુ થી લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની દરકાર કરવામાં આવે છે.
આજે વાત કરવી છે, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કસુંબાડ ગામના હીનાબેન અલ્પેશભાઈ પઢીયારની. જેમને ત્યાં નવજાત શિશુનો જન્મ પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં થયો હતો. હીનાબેને બાળકને જન્મ આપ્યો હતો, બાળકના જન્મની સાથે જ તેને કમરના ભાગમાં ગાંઠની તકલીફ હતી. બાળકના માતા-પિતાને નવજાત શિશુને કમરના ભાગમાં ગાંઠ હોય માનસિક રીતે દુઃખી થતા હતા તે સમયે ડોકટરશ્રીએ નવજાત શીશુની આરોગ્ય તપાસણી કરી શીશુના કમરના ભાગની ગાંઠનું ઓપરેશન કરાવવું જરૂરી છે તેવી સમજ આપી હતી. પરંતુ શરૂઆતમાં નવજાત શિશુના માતા-પિતા બાળકને અમદાવાદ કે વડોદરા સિવિલ હોસ્પિટલમાં લઈ જઈને ઓપરેશન કરાવવા માટે તૈયાર થયા ન હતા.
પ્રસુતી બાદ હીનાબેન પઢીયારને પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી રજા આપ્યા બાદ તેઓ તેમના ઘરે કસુંબાડ ખાતે આવ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાવોલના આર.બી.એસ.કે. ટીમના ડોક્ટર ક્રિષ્નાબેન ઠક્કરને તેની જાણ થતા તેમની કામગીરી સંદર્ભે તેમના ઘરની મુલાકાતે ગયા હતા અને બાળકને કમરના ભાગમાં ગાંઠ હતી તે ગાંઠથી ઓપરેશન કરવામાં ન આવે તો બાળકને શું તકલીફ પડે તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી, ત્યારબાદ ફરીથી આર.બી.એસ.કે. ની ટીમ તેમના ઘરે બીજા દિવસે ફરીથી મુલાકાતે ગઈ અને વિનામૂલ્યે વડોદરા ખાતેની સયાજી હોસ્પિટલમાં બાળકના કમરના ભાગમાં જે ગાંઠ છે તેનું ઓપરેશન કરવામાં આવશે અને બધું સરસ થઈ જશે કશી ચિંતા કરવાની જરૂર નથી તેવી સમજ આપતા બાળકના માતા પિતા ઓપરેશન કરવા તૈયાર થયા હતા.
દાવોલ પીએચસીના આર.બી.એસ.કે. ટીમના ડોક્ટર ક્રિષ્ના ઠક્કરની સમજાવટ બાદ બાળકને સયાજી હોસ્પિટલ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યો હતો અને બાળકનું ઓપરેશન શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવ્યું અને બાળક હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
આર.બી.એસ.કે. ટીમના ડોક્ટર ક્રિષ્નાબેન ઠક્કર દ્વારા તારીખ ૯ મી સપ્ટેમ્બર ના રોજ કસુંબાડ ગામ ખાતે હીનાબેન અલ્પેશભાઈ પઢીયારના ઘરની રૂબરૂ મુલાકાત લઈ બાળકને ચકાસણી કરતા બાળક હવે સંપૂર્ણ સ્વસ્થ છે, હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તેમ જણાવતા હીનાબેન પઢિયારે આરોગ્ય વિભાગની વિનામૂલ્યે આપવામાં આવેલી સેવા માટે આરબીએસકે ટીમ ના ડોક્ટર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને સરકારની આ યોજના અમારા જેવા ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે તેમ જણાવી અમારા નવજાત બાળક માટે પ્રેમરૂપી લાગણી દર્શાવવા બદલ તેમના પરિવારે પણ આભાર માન્યો હતો.

કસુંબાડ ગામના નવજાત શિશુને કમરના ભાગમાં આવેલી ગાંઠની સારવાર કરાઈ
