કરમસદ ખાતે વેકેશન દરમિયાન ‘વિદ્યાપથ પ્રોજેક્ટ’ નો શુભારંભ કરાયો
Publish Date : 12/05/2026
કરમસદની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં ૩૫ દિવસના વેકેશન પ્રોજેક્ટનું આયોજન
આણંદ, સોમવાર , શિક્ષણ ક્ષેત્રે પાયાના પરિવર્તન અને ગુણવત્તા સુધારવા માટે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત ‘નિપુણ ભારત’ કાર્યક્રમ એક અતિ મહત્ત્વનું ઘટક છે. આ વિઝન અનુસાર, ૩ થી ૯ વર્ષની વયના બાળકોમાં પૂર્વ પ્રાથમિક અને ધોરણ ૧-૨ દરમિયાન શિક્ષણનો પાયો એટલો મજબૂત હોવો જોઈએ કે ધોરણ ૩ પૂર્ણ થતા સુધીમાં પ્રત્યેક બાળક પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાનના કૌશલ્યો આત્મસાત કરી શકે. નિપુણ ભારતનું લક્ષ્ય એક એવું સાર્વત્રિક વાતાવરણ તૈયાર કરવાનું છે કે જેથી વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં ત્રીજા ધોરણના અંતે દરેક બાળક વાંચન, લેખન અને ગણિતમાં અપેક્ષિત ક્ષમતા ધરાવતું હોય.
પાયાનું નબળું જ્ઞાન અન્ય તમામ વિષયોના અધ્યયનમાં બાધારૂપ બને છે, કારણ કે સંશોધનો મુજબ વાંચન અને અન્ય વિષયોના જ્ઞાન વચ્ચે ઊંડો સહસંબંધ છે. આથી, વાંચન, લેખન અને ગણન એ માત્ર સાક્ષરતા નથી પરંતુ પ્રાથમિક શિક્ષણના પાયાના કૌશલ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં ૧૦૦% સિદ્ધિ મેળવવાના ઉદ્દેશ્ય સાથે, આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના પ્રેરક અભિગમ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્ચનાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ‘વિદ્યાપથ પ્રોજેક્ટ’ દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે.આ પહેલના ભાગરૂપે, બાળકો પોતાના ધોરણ અને વયકક્ષા મુજબ નિપુણ બને તે હેતુથી પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા, કરમસદ માં ૩૫ દિવસના વેકેશન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્ચનાબેન પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રોજેક્ટમાં ઉત્સાહપૂર્વક જોડાયેલા તમામ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવી માર્ગદર્શન આપ્યું હતું અને જિલ્લાની શાળાઓ FLN (પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન) ની કચાશથી મુક્ત બની ગુણવત્તાસભર આદર્શ શાળાઓ બને તેવું આહવાન કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ‘સ્કિલ યુનિવર્સિટી’ અંતર્ગત વિદ્યાર્થીઓએ બનાવેલી વિવિધ કલા-કૃતિઓનું નિદર્શન પણ યોજાયું હતું, જેને નિહાળી મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.