Close

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા વર્ષ 2026-27 નું રૂ. 1115.05 કરોડનું બજેટ રજૂ કરાયું

Publish Date : 17/03/2026

મહાનગરપાલિકા વિસ્તારમાં સતત બીજા વર્ષે પણ કર અને દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, હાલના દર યથાવત રહેશે

ગત નાણાકીય વર્ષના અંદાજ કરતા 5.66 ટકા વધુ જોગવાઈ

આ બજેટમાં નગરજનોની પ્રાથમિક તમામ સુવિધાઓને આવરી લેવામાં આવી છે – મહાનગરપાલિકાના વહીવટદારશ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

મહાનગરપાલિકાનું બજેટ વિકાસલક્ષી છે, નગરજનોને વધુ સુવિધાઓ પૂરી પાડવા મહાનગરપાલિકા કટિબદ્ધ – કમિશનર શ્રી મિલિંદ બાપના

આ બજેટથી કરમસદ આણંદ મહાનગરપાલિકાનો સર્વાંગી વિકાસ થશે – ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ

આણંદ, સોમવાર : કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના એ આજે મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2026-27 માટે અંદાજિત રૂપિયા 1115.05 કરોડનું અંદાજપત્ર મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સમક્ષ રજૂ કર્યું હતુ.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના વહીવટદારશ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ મહાનગરપાલિકાના રજુ કરવામાં આવેલ બજેટ પરત્વે આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, આ બજેટમાં મહાનગરપાલિકા દ્વારા સતત બીજા વર્ષે પણ કોઈ કર અને દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

મહાનગરપાલિકાનું આ બજેટ કરમસદ-આણંદ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોના સર્વાંગી વિકાસના દ્વાર ખોલશે તેમ જણાવતાં શ્રી પ્રવીણ ચૌધરીએ ઉમેર્યું હતુ કે, બજેટમાં રસ્તાઓ, ફ્લાય ઓવર બ્રીજ, ઓક્સીજન પાર્ક, ફૂડ લેબોરેટરી, કોમ્યુનિટી હોલ, સ્માર્ટ લાઈબ્રેરી, સિનિયર સિટીઝન પાર્ક, યોગા સેન્ટર તથા ઓપન જીમ, પાણીની ટાંકી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાણીની પાઇપલાઇન સહિતના શહેરીજનોની સુખાકારી માટે હાથ ધરાનાર વિવિધ માળખાકિય કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ નગરજનોની લાગણી માંગણીઓ સંતોષનારૂ આ બજેટ કમિશનર શ્રી દ્વારા રજુ કરવામાં આવ્યું છે, તેમ જણાવી મહાનગરપાલિકાના આ અંદાજપત્રનું સંપૂર્ણ અમલીકરણ થાય તે રીતે કામ કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આ બજેટ ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં પાણી, ગટર, રસ્તાનું કામ તથા લોકોની અપેક્ષાઓ હોય છે તે તમામ સુવિધાઓ આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, જે બાબતે કમિશનરશ્રીને વહીવટદારશ્રીએ અભિનંદન અને શુભેચ્છા પણ પાઠવી હતી.

આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે કરમસદ આણંદ મહાનગરપાલિકાના આ બજેટમાં આણંદના જન પ્રતિનિધિઓની માંગણી સંતોષવામાં આવી છે, જે આવકારવા દાયક બાબત છે, ઉપરાંત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ૦૪ ગ્રામ્ય વિસ્તારો  માટેના વિકાસની તમામ બાબતો આવરી લીધેલ હોય જેના કારણે રાજ્યના મોટા મહાનગરોના વિકાસની જેમ મહાનગરપાલિકાનો પણ ઝડપી વિકાસ થશે તેવું બજેટ રજૂ કર્યું છે, તેમ જણાવી આ બજેટ આવકારવા દાયક બજેટ છે અને નગરજનોને ખૂબ સુવિધા ઉપલબ્ધ બનશે અને મહાનગર માટે સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ છે, તેમ જણાવી મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના અને મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને આ બજેટ માટે અભિનંદન પણ આપું છું, તેમ તેમણે જણાવ્યું હતું.

આ બજેટ રજુ કરતાં કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ જણાવ્યું હતુ કે, મહાનગરપાલિકાનું બજેટ વિકાસલક્ષી છે, શહેરીજનોની સુખાકારી માટેની તમામ બાબતોને ધ્યાને લઈ આ બજેટ બનાવવામાં આવ્યુ છે, નગરજનોને વધુ સુવિધાઓ પૂરી પાડવા મહાનગરપાલિકા કટિબદ્ધ છે.

આ પ્રસંગે આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સર્વ શ્રી નિલાક્ષ મકવાણા અને શ્રી એસ. કે. ગરવાલ સહિત મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા