કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૩૦ સપ્ટેમ્બરે ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન; જનતાના પ્રશ્નોનો સ્થળ પર જ આવશે ઉકેલ
Publish Date : 29/09/2026
નહેરુ બાગ કોમ્યુનિટી હોલ ખાતે વોર્ડ નં. 1,2,3,4,5 અને વોર્ડ નંબર 7 ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
એક જ છત નીચે ૧૫થી વધુ સેવાઓ: સુશાસન અને પારદર્શી વહીવટના સંકલ્પ સાથે ‘સેવાસેતુ’ પ્રજાના દ્વારે
આણંદ, સોમવાર, પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી, માગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવાના ઉમદા હેતુ સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવારના રોજ ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, મનપાના મેયર શ્રી દીપિકાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર, મનપાના ડેપ્યુટી મેયર શ્રી કમલેશભાઈ ડાભી, મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન.ડોડીયા સહિત મનપાના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
આણંદ શહેરના નહેરુ બાગ પાસે આવેલા નહેરુ બાગ કોમ્યુનિટી હોલ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૧, ૨, ૩, ૪, ૫ અને ૭ ના રહીશોને આવરી લેવામાં આવશે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના સેવા અને સહાય અંગેના નાગરિકોના પ્રશ્નો તેમજ અરજીઓનો સ્થળ પર જ નિકાલ લાવવા માટે આ એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.
સુશાસન અને પારદર્શી વહીવટના સંકલ્પ સાથે સરકારી યોજનાઓના લાભો સીધા જ જનતા સુધી પહોંચાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ રીતે સજ્જ છે. આ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ નાગરિકોને પડતી મુશ્કેલીઓ નિવારવા અને નાગરિકોની અરજીઓનો ઝડપી ઉકેલ મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. કાર્યક્રમનો સમય સવારે ૯:૦૦ કલાકથી શરૂ થઈ સાંજના ૫:૦૦ કલાક સુધીનો રહેશે, જેમાં અરજદારો પોતાની વિવિધ યોજનાઓ અને વહીવટી કામગીરીને લગતી અરજીઓ બપોરે ૦૨:૦૦ કલાક સુધી જમા કરાવી શકશે. મળેલી તમામ અરજીઓ પર ત્વરિત કાર્યવાહી હાથ ધરીને દિવસના અંત સુધીમાં મહત્તમ નિકાલ કરવાનો પ્રયાસ મનપાના તંત્ર દ્વારા કરવામાં આવશે.
આ વિશેષ આયોજનમાં નાગરિકો માટે ૧૫ થી વધુ વિવિધ સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં આવક, જાતિ, નોન-ક્રીમીલેયર અને ડોમિસાઇલના દાખલા, રેશનકાર્ડ અને આધારકાર્ડને લગતી અરજીઓ, માં-અમૃતમ અને માં-વાત્સલ્ય કાર્ડ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમાજકલ્યાણ વિભાગની યોજનાઓ, વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય તથા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાઓ માટેની પ્રક્રિયા પણ સ્થળ પર જ કરવામાં આવશે. જનતા માટે મિલકત આકારણી, મિલકત વેરો, વીજળી (એમ.જી.વી.સી.એલ.) ને લગતી કામગીરી તેમજ જન્મ-મરણના દાખલા અને ગુમાસ્તા ધારા હેઠળની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. આર્થિક સહાય માટે બેંકેબલ યોજનાઓ, પ્રધાનમંત્રી જન-ધન યોજના, પીએમ સ્વનિધિ યોજના હેઠળ નોંધણી અને શહેરી ફેરિયાઓ માટે ૧૫,૦૦૦ રૂપિયા સુધીની લોન-સહાય જેવી સેવા, આરોગ્ય ક્ષેત્રે નાગરિકો માટે મફત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ તેમજ સ્કિલ બેઝ્ડ તાલીમ માટે નોંધણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા ઈચ્છતા અરજદારોએ પોતાની સાથે પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, લાઈટબિલ અને ભાડે આપેલી મિલકત હોય તો તેના ભાડા કરારની નકલ જેવા જરૂરી દસ્તાવેજો સાથે લાવવાના રહેશે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે ‘સુશાસન, સેવા અને સમૃદ્ધિ’ ના મંત્રને સાર્થક કરતા આ આયોજન દ્વારા સામાન્ય નાગરિકોને વહીવટી સહાય એક જ છત્ર નીચે મળી રહેશે, જેનાથી સમય અને શક્તિનો બચાવ થશે જેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૩૦ સપ્ટેમ્બરે ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન; જનતાના પ્રશ્નોનો સ્થળ પર જ આવશે ઉકેલ