કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિશાળ સ્વચ્છતા ઝુંબેશ: શહેરની તમામ ૧.૪૬ લાખથી વધુ મિલકતો પર પહોંચી નાગરિકો પાસેથી લેવાશે ‘સ્વચ્છતા સંકલ્પ પત્ર’
Publish Date : 28/09/2026
‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત “મારું શહેર, મારું ગૌરવ”ના સૂત્ર સાથે ડોર-ટુ-ડોર અભિયાનનો પ્રારંભ
નાગરિકો અને મનપા તંત્રની સહિયારી ભાગીદારીથી શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાનો ભગીરથ પ્રયાસ
આણંદ, રવિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તાર- શહેરને સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર બનાવવા અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા લાવવાના શુભ આશય સાથે મહાનગરપાલિકા દ્વારા એક વ્યાપક સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારના ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અભિયાન અંતર્ગત અને “મારું શહેર, મારું ગૌરવ” ના પ્રેરણાદાયી સૂત્ર સાથે મહાનગરપાલિકાના વિસ્તારમાં ડોર-ટુ-ડોર “સ્વચ્છતા સંકલ્પ ઝુંબેશ” હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ મહાનગરપાલિકાની સત્તાવાર ટીમો શહેરની તમામ ૧,૪૬,૫૧૭ રહેણાંક અને વ્યાવસાયિક મિલકતોની પ્રત્યક્ષ મુલાકાત લઈને નાગરિકો પાસેથી હસ્તાક્ષરિત “સ્વચ્છતા સંકલ્પ પત્ર” એકત્રિત કરશે.
આ મહાઅભિયાન અંતર્ગત મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ દરેક ઘરે પહોંચીને નાગરિકોને મુખ્ય ૬ સંકલ્પો લેવડાવશે, જેમાં
કચરાનું વર્ગીકરણ, ઘરમાંથી નીકળતા સૂકા અને ભીના કચરાને અલગ-અલગ કરીને જ આપવો. કચરો માત્ર મહાનગરપાલિકાના અધિકૃત વાહનમાં જ આપવો અને જાહેર સ્થળો પર કચરો ન ફેંકવો. સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ/ઓછો કરી પુનઃઉપયોગી વસ્તુઓ અપનાવવી, ઘર તથા આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખી અન્ય લોકોને પણ પ્રેરિત કરવા. રાત-દિવસ સફાઈ ક્ષેત્રે સેવા આપતા સફાઈ મિત્રોનું સન્માન કરવું અને સહયોગ આપવો તથા શહેરની સ્વચ્છતા અને ગૌરવ વધારવામાં સક્રિય ભાગીદાર બનવું.
આ ઝુંબેશના સુચારુ અમલીકરણ માટે મુલાકાત દરમિયાન કર્મચારીઓ નાગરિકનું નામ, સરનામું, વોર્ડ નંબર અને મોબાઈલ નંબરની વિગતો નોંધશે તેમજ સંકલ્પ પત્ર પર નાગરિક અને કર્મચારી બંનેની સહી લેવામાં આવશે. ત્યારબાદ નાગરિકનો ફોટો અને સંકલ્પપત્ર સરકાર શ્રી ના સ્વચ્છતા ના પોર્ટલ ઉપર અક્ષાંશ અને રેખાંશ ની વિગતો સાથે સ્થળ ઉપર થી જ અપલોડ કરવામાં આવશે. “સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, તે મારી પણ જવાબદારી છે” ના ભાવ સાથે નગરજનો આ સંકલ્પ પત્ર સ્વીકારી મહાનગરપાલિકાના સ્વચ્છતાના આ અભિયાનમાં સહયોગ આપે તે ખૂબ જ જરૂરી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ શહેરજનોને જણાવાયું છે કે આપના ઘરની મુલાકાતે આવનાર મનપા ની ટીમોને પૂરતો સહયોગ આપે અને પોતાના શહેરને સ્વચ્છ, સુંદર અને ગૌરવવંતું બનાવવા માટે આ ‘સ્વચ્છતા સંકલ્પ ઝુંબેશ’માં ઉત્સાહભેર જોડાઈને પોતાના તરફથી સક્રિય યોગદાન આપે તે માટે નગરજનોને ખાસ અપીલ કરવામાં આવી છે.