Close

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મિલકતોની નવી આકારણી સર્વે કામગીરી શરૂ: નાગરિકોને સહયોગ આપવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અપીલ

Publish Date : 22/09/2026

​આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ મિલકતોની નવેસરથી માપણી અને આકારણી કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ‘GUDM’ ના ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’ હેઠળ ‘એમ-નેક્સ્ટ ઇન્ફોટેક’ (M-Next Infotech) કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે.

આ યોજના અંતર્ગત એમ-નેક્સ્ટ ઇન્ફોટેક કંપનીના સર્વેયર અને કર્મચારીઓ મિલકતધારકોના ઘરે-ઘરે જઈને મિલકત સંબંધિત જરૂરી માહિતી એકત્રિત કરશે. નાગરિકોની સુરક્ષા અને સરળતા માટે આ સર્વે કરનાર કર્મચારીઓને મહાનગરપાલિકા દ્વારા અધિકૃત આઇડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) આપવામાં આવ્યા છે.

​ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા નગરજનોને અપીલ કરી છે કે, જ્યારે પણ આ કર્મચારીઓ આપના ઘરે આવે ત્યારે તેમના ઓળખપત્ર ચકાસીને તેમને જરૂરી અને સચોટ માહિતી પૂરી પાડવી. આ આઇ-કાર્ડ પર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીની પોતાની સહી પણ કરવામાં આવેલી છે.

​મનપા વિસ્તારના નગરજનો દ્વારા આપવામાં આવેલી સચોટ માહિતીના આધારે મિલકતોની નવી આકારણી કરવામાં આવશે, જે ભવિષ્યમાં મહાનગરપાલિકાનું નવું આકારણી રજિસ્ટર તૈયાર કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. આથી આ મહત્ત્વપૂર્ણ કામગીરીમાં તમામ નગરજનો અને મિલકતધારકો પૂરતો સહયોગ આપે તેવી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.