Close

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી સુધીનો મુખ્ય માર્ગ ત્રણ મહિના માટે બંધ રહેશે

Publish Date : 01/08/2026

આધુનિક ‘વ્હાઇટ ટોપિંગ રોડ’ની કામગીરીને પગલે મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક ડાયવર્ઝન જાહેર કરાયું

તા. ૧ ઓગસ્ટથી ૩૧ ઓક્ટોબર સુધી રસ્તો સંપૂર્ણ બંધ રાખી નવીનીકરણની કામગીરી હાથ ધરાશે

વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા અંગે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ

આણંદ, શુક્રવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના આંતરમાળખાકીય વિકાસ અને માર્ગોના આધુનિકીકરણના ભાગરૂપે રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી સુધીના વ્યસ્ત માર્ગને ‘વ્હાઇટ ટોપિંગ રોડ’ તરીકે વિકસાવવાની મહત્વકાંક્ષી યોજના હાથ ધરવામાં આવી છે. આ અત્યાધુનિક માર્ગ નિર્માણની કામગીરીને નિર્ધારિત સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/૦૮/૨૦૨૬ થી તા. ૩૧/૧૦/૨૦૨૬ સુધી આ મુખ્ય રસ્તાને તમામ પ્રકારની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ હયાત રસ્તાના માળખાને તોડીને તેના સ્થાને ટકાઉ અને મજબૂત વ્હાઇટ ટોપિંગ રોડનું નવું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યમાં વાહનચાલકોને સુગમ રસ્તાની સુવિધા પ્રાપ્ત થશે.

મુખ્ય માર્ગ બંધ રહેવાને કારણે જનતાની સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી તરફ જતા ભારે વાહનો તથા અન્ય વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તે મુજબ વાહનચાલકોએ રામદેવપીર મંદિરથી તિરુપતિ રોડ પર આવેલ સપ્તદેવ મંદિર સામે મણીબેન માર્ગ થઈ શપથ રેસિડેન્સીથી ઇસ્કોન ચોકડી થઈ વિદ્યાનગર કે કરમસદ તરફ જઈ શકશે. આ ઉપરાંત, અન્ય એક વૈકલ્પિક માર્ગ તરીકે આણંદ-સોજિત્રા રોડ પરથી જનતા ચોકડી થઈ વિદ્યાનગર રોડનો ઉપયોગ કરી શકાશે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને આ વિકાસલક્ષી કામગીરીમાં સહકાર આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન જાહેર નોટિસને અનુસરવા અને નિર્ધારિત ડાયવર્ઝન રૂટનો જ ઉપયોગ કરીને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.