કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર દબાણ કરનારા ૨૨ એકમોને રૂપિયા ૧.૩૦ લાખની દંડ ભરવા અપાઈ નોટીસ
Publish Date : 07/08/2025
આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મનપાનો એસ્ટેટ વિભાગ કામ કરી રહ્યો છે.
મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મનપા વિસ્તારના વિવિધ મુખ્ય માર્ગ, ચાર રસ્તાઓ ઉપરથી દબાણો લારી ગલ્લા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેશે, જેથી મુખ્ય માર્ગો ઉપર નગરજનોને નડતરરૂપ થાય તેવી રીતે સામગ્રી ના મૂકવા માટે જણાવવામાં આવ્યું છે.
આમ છતાં, મનપા વિસ્તારના મુખ્ય માર્ગ, ચાર રસ્તાઓ અને જાહેર રસ્તાઓ ઉપર લારી ગલ્લા મુકવામાં આવે છે કે દબાણ કરવામાં આવે છે તેવા લોકોને જુલાઈ માસ દરમિયાન મનપાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે નડતરરૂપ સામગ્રી દૂર કરીને આવા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
જુલાઈ માસ દરમિયાન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર નડતરરૂપ સામગ્રી મુકવા બદલ ૨૨ વેપારીઓને રૂપિયા ૧.૩૦ લાખ રકમની નોટિસ આપી દંડનીય રકમ ભરવા માટે જણાવવામાં આવ્યું છે.
મનપા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર નગરજનોને અડચણરૂપ થાય તે રીતે દબાણો ન કરવા કે લારી ગલ્લા ન મુકવા માટે એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે, અન્યથા આવા લોકો વિરુદ્ધ કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર દબાણ કરનારા ૨૨ એકમોને રૂપિયા ૧.૩૦ લાખની દંડ ભરવા અપાઈ નોટીસ
