Close

કરમસદ-આણંદ મહાનગરપાલિકાનો ‘ઝીરો વેસ્ટ’ શહેર તરફ મક્કમ નિર્ધાર: આધુનિક ‘વેસ્ટ ટુ વેલ્થ’ પ્રોજેક્ટ્સ દ્વારા કચરાનું ૧૦૦ ટકા વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ થશે

Publish Date : 18/07/2026

તમામ પ્રક્રિયા બાદ વધતા માત્ર ૧૦ ટકા જેટલા બિનઉપયોગી કચરાના નિકાલ માટે ૩૨.૩૧ TPD ક્ષમતાની સેનિટરી લેન્ડફિલ સાઇટ ટૂંક સમયમાં તૈયાર કરાશે

સ્વચ્છ ભારત મિશન ૨.૦ હેઠળ મહાનગરપાલિકામાં ૪-સ્ટ્રીમ સેગ્રીગેશન અને અત્યાધુનિક ટ્રાન્સફર સ્ટેશન કાર્યરત કરી પર્યાવરણ જાળવણીનું મોડેલ સ્થાપિત કરાશે

બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત: શહેરના ૧૩ વોર્ડમાં ‘સ્વચ્છતા માર્શલ’ અને ‘વોર્ડ સ્વચ્છતા સમિતિ’ બનાવવામાં આવશે

આણંદ, શુક્રવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન (શહેરી) ૨.૦ અંતર્ગત શહેરને સ્વચ્છ, હરિયાળું અને ‘ઝીરો વેસ્ટ’ શહેર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઘન કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે એક વ્યાપક અને અત્યાધુનિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ અને નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોને અનુસરીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ આયોજન હેઠળ શહેરના કચરાને માત્ર ફેંકવાને બદલે તેના પર પ્રોસેસિંગ કરી તેને ઉપયોગી ચીજવસ્તુઓમાં રૂપાંતરિત કરવાના ‘વેસ્ટ ટુ વેલ્થ’ના અભિગમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેનાથી આગામી સમયમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તાર વધુ સ્વચ્છ અને સુંદર બનશે.

મહાનગર પાલિકા વિસ્તારમાં બાંધકામ અને તોડફોડના કચરા માટે ૩૭.૭૩ TPD ક્ષમતા ધરાવતો આધુનિક C&D વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે કચરામાંથી પેવર બ્લોક અને એગ્રીગેટ જેવી પ્રોડક્ટ્સ તૈયાર કરશે. સાથો સાથ સૂકા કચરાના વર્ગીકરણ માટે ૧૧૬ TPD ક્ષમતાની મટીરીયલ રિકવરી ફેસિલિટી (MRF) અને ભીના કચરામાંથી ઉચ્ચ ગુણવત્તાનું ખાતર બનાવવા માટે ૧૧૫.૮૬ TPD ક્ષમતાનો વેસ્ટ ટુ કોમ્પોસ્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવી રહ્યો છે. આ તમામ પ્રક્રિયા બાદ વધતા માત્ર ૧૦ ટકા જેટલા બિનઉપયોગી કચરા માટે ૩૨.૩૧ TPD ક્ષમતાની સેનિટરી લેન્ડફિલ સાઇટ તૈયાર કરાશે, જે ભૂગર્ભ જળ અને જમીનનું પ્રદૂષણ અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

પરિવહન ખર્ચમાં ઘટાડો અને કાર્યક્ષમતા વધારવા માટે મહાનગરપાલિકા વિસ્તારમાં ૭૬.૬૭ TPD ક્ષમતાનું આધુનિક સોલિડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે. આ સ્ટેશન એક એવા કેન્દ્ર તરીકે કાર્ય કરશે. જ્યાં વોર્ડ સ્તરેથી આવતા નાના વાહનોનો કચરો મોટા ટ્રાન્સપોર્ટ વાહનોમાં સ્થાનાંતરિત કરી પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવશે. આ મશીનરી આધારિત પદ્ધતિથી ઇંધણની બચત થશે અને શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. આ ઉપરાંત, શહેરમાં ‘નો ન્યૂ લેગસી વેસ્ટ’ના મક્કમ નિર્ધાર સાથે ૧૦૦ ટકા ડોર-ટુ-ડોર કલેક્શન અને સ્ત્રોત પર જ કચરાના વિભાજનની કામગીરીને પ્રાથમિકતા અપાઈ રહી છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઘન કચરાના નિકાલ માટે હવે ‘૪-સ્ટ્રીમ સેગ્રીગેશન’ વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે, જેમાં કચરાને ભીનો, સૂકો, સેનિટરી અને સ્પેશિયલ કેર એમ ચાર ભાગમાં અલગ પાડવો અનિવાર્ય રહેશે.

નિયમોની ચુસ્ત અમલવારી માટે શહેરના તમામ ૧૩ વોર્ડમાં ‘સ્વચ્છતા માર્શલ’ની નિમણૂક કરવામાં આવનાર છે, જેઓ જાહેર સ્થળોએ ગંદકી કરનારા તત્વો સામે દંડાત્મક કાર્યવાહી કરશે. બલ્ક વેસ્ટ જનરેટર્સ એટલે કે હોટલ, હોસ્પિટલ અને મોટા રહેણાંક સંકુલો માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે, જેમને પોતાના ભીના કચરાની વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાની જરૂરી સુવિધાઓ જાતે ઊભી કરવાની રહેશે.

જનભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે દરેક વોર્ડમાં ‘વોર્ડ સ્વચ્છતા સમિતિ’ની રચના ટૂંક સમયમાં જ કરવામાં આવશે અને નાગરિકોમાં ‘રિડ્યુસ-રીયુઝ-રિસાયકલ’ની સંસ્કૃતિ કેળવાય તે હેતુથી વધુ ૧૧ નવા RRR સેન્ટર્સ સ્થાપવાનું આયોજન છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ સર્વગ્રાહી પ્રયાસોથી મહાનગર માત્ર ગંદકીમુક્ત જ નહીં બને, પરંતુ સ્વચ્છતાના રાષ્ટ્રીય રેટિંગ્સમાં પણ અગ્રેસર સ્થાન પ્રાપ્ત કરશે.