કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ૧૫ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઈમારતો અને સ્પેશિયલ બિલ્ડીંગો માટે ફાયર એનઓસી લેવું ફરજિયાત
Publish Date : 17/07/2026
ફાયર સેફ્ટીના નિયમોનું પાલન અનિવાર્ય: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મિલકતધારકોને ૩૦ દિવસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા કરાઈ તાકીદ
આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા જાહેર સલામતીના હેતુસર ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન સિસ્ટમ બાબતે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટમાં ચાલી રહેલ પીઆઈએલ-૧૧૮/૨૦૨૦ ના સંદર્ભમાં આપવામાં આવેલા હુકમ અને ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટના અનુસંધાને, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ ઊંચી ઈમારતો અને વ્યાવસાયિક સંકુલોના માલિકો, સંચાલકો તથા ટ્રસ્ટીઓને ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે. જે મિલકતધારકોએ હજુ સુધી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યું નથી અથવા જેમનું સર્ટિફિકેટ રિન્યુ કરવાનું બાકી છે, તેઓને આગામી ૩૦ દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા તાકીદ કરવામાં આવી છે.
આ નોટિસ હેઠળ વિવિધ શ્રેણીની ઈમારતોને આવરી લેવામાં આવી છે, જેમાં ૧૫ મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી તમામ ઈમારતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખાસ ઈમારતો જેવી કે હોટેલ, શૈક્ષણિક અને સંસ્થાકીય ભવનો, વ્યાપારિક અને મિશ્ર વપરાશ ધરાવતી ઈમારતો કે જ્યાં ફ્લોર એરિયા ૫૦૦ ચોરસ મીટરથી વધુ હોય, તેમને આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. તેમજ ૯ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી શૈક્ષણિક અને સંસ્થાકીય ઈમારતો, તમામ એસેમ્બલી બિલ્ડીંગો, બહુમાળી કાર પાર્કિંગ, બેઝમેન્ટ ધરાવતી મિલકતો અને ફેક્ટરી એક્ટ હેઠળ ન આવતી જોખમી ઈમારતો માટે પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે માત્ર સાધનો લગાડવા પૂરતું નથી, પરંતુ તે સાધનો ગુણવત્તાયુક્ત અને જરૂરિયાતના સમયે કાર્યરત રહે તે પણ અત્યંત આવશ્યક છે. ઈમારતના માલિકો અને સંચાલકોએ ટેકનિકલ જરૂરિયાત મુજબ ફાયર સિસ્ટમને ચાલુ હાલતમાં રાખવાની રહેશે અને સંબધિત સ્ટાફને આ સાધનો ચલાવવાની તાલીમ આપવાની રહેશે.
વધુમાં, દરેક જવાબદાર સંસ્થાએ દર ૬ મહિને મોકડ્રીલ અને ઈન્સ્પેક્શનની કામગીરી સુનિશ્ચિત કરવાની રહેશે જેથી કોઈપણ કટોકટીના સમયે જાન-માલનું નુકસાન અટકાવી શકાય.
જો નિયત ૩૦ દિવસની સમયમર્યાદામાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવામાં નહીં આવે, તો મહાનગરપાલિકા દ્વારા સંબંધિત મિલકત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. સાથોસાથ, જો ભવિષ્યમાં આવી મિલકતોમાં આગ કે અકસ્માતની કોઈ ઘટના બનશે, તો તેની સંપૂર્ણ કાનૂની જવાબદારી મિલકતના માલિક, સંચાલક કે ટ્રસ્ટીઓની રહેશે.