કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ‘બલ્ક વેસ્ટ જનરેટર’ (BWGs) માટે નિયમો લાગુ કરાયા
Publish Date : 10/07/2026
આણંદ, ગુરૂવાર, ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૨૬ની નવી જોગવાઈઓ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશો અન્વયે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના તમામ ઝોન અને વોર્ડમાં બલ્ક વેસ્ટ જનરેટર (BWGs) માટેના નિયમોનું કડક અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ અંતર્ગત ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ બાંધકામ ધરાવતા, દૈનિક ૪૦,૦૦૦ લીટરથી વધુ પાણી વાપરતા અથવા રોજનો ૧૦૦ કિલોગ્રામથી વધુ ઘન કચરો ઉત્પન્ન કરતા એકમોને બલ્ક વેસ્ટ જનરેટર તરીકે ગણવામાં આવશે.
આ નવા નિયમો હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ, ધાર્મિક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, મોટા રહેણાંક એપાર્ટમેન્ટ્સ, ફ્લેટ, સોસાયટીઓ તેમજ શોપિંગ મોલ્સ જેવા વાણિજ્યિક એકમોનો સમાવેશ થાય છે.
આ તમામ એકમો માટે CPCB ની સત્તાવાર લિંક (https://swm.cpcb.gov.in) પર જઈને ઓનલાઈન ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે.
નિયમ મુજબ, આ તમામ માપદંડોમાં આવતા એકમોએ પોતાની પ્રીમાઇસીસમાં જ ઉત્પન્ન થતા બાયોડીગ્રેડેબલ (ભીના કચરા) નું ઓન-સાઇટ પ્રોસેસીંગ (On-site Processing) કરવાનું રહેશે.
આ ઉપરાંત, સૂકા કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીને તેને માત્ર અધિકૃત રિસાયકલર્સને જ આપવાનું રહેશે, જેથી કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે.
જો કોઈ પણ એકમ દ્વારા ઓન-સાઇટ પ્રોસેસીંગની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવશે અથવા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશોની અવમાનના ગણવામાં આવશે.
આવા એકમો સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને પર્યાવરણીય કાયદા હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ બાબતે વધુ માહિતી મેળવવા માટે https://sbmurban.org લિંકનો ઉપયોગ કરવા અને કરમસદ આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ રાખવાના આ અભિયાનમાં સહકાર આપવા નગરજનોને અપીલ કરવામાં આવી છે.