Close

કરમસદ આણંદ મહાનગરપાલિકાની હેલ્પલાઈન સિસ્ટમ ઉપર ૧૨-જુન-૨૬ થી ૨૮-જુન – ૧૭ દિવસમાં ૧૨૧૪ નાગરિક ફરિયાદો મળી

Publish Date : 30/06/2026

KAMC નાગરિક સેવા અભિયાન: ૧૨ જુન પહેલાંની પડતર અને ૧૨ થી ૨૮ જુન – ૧૭ દિવસ દરમ્યાન મળેલી ફરીયાદો પૈકી ૭૦ ટકા ફરિયાદોનું સફળ નિવારણ કરાયું ,  કુલ ૮૪૮ પ્રશ્નો ઉકેલાયા.

હેલ્પલાઈન સિસ્ટમ ઉપર સ્ટ્રીટલાઇટ, ગટર અને સફાઇની ફરિયાદો સૌથી વધુ

સફાઇલક્ષી પ્રશ્નોમાં મનપા તંત્રની ૯૭%  પ્રશ્નોના નિરાકરણની કામગીરી

આણંદ, સોમવાર,  કરમસદ આણંદ મહાનગરપાલિકા (KAMC) દ્વારા નાગરિકોની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે કાર્યરત ‘સિટીઝન ગ્રીવન્સ હેલ્પલાઈન સિસ્ટમ’ અંતર્ગત ગત ૧૨ જૂનથી ૨૮ જૂન ૨૦૨૬, સાંજે ૪-૦૦ વાગ્યા સુધીના ૧૭ દિવસીય ગાળાનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.

આ સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ વિભાગોમાં કુલ ૧૨૧૪ ફરિયાદો પ્રાપ્ત થઈ હતી, જેમાંથી તંત્રએ અત્યંત સક્રિયતા દાખવીને ૮૪૮ ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કર્યો છે. ૨૮ જૂન ૨૦૨૬ની સાંજ સુધીમાં કોર્પોરેશને કુલ ૭૦ ટકા જેટલી ફરિયાદોનું નિવારણ લાવીને નાગરિક સુવિધાઓ પ્રત્યે પોતાની પારદર્શક પ્રતિબદ્ધતા દર્શાવી છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકાને આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ફરિયાદો સ્ટ્રીટલાઇટ વિભાગમાં ૩૮૩ નોંધાઈ હતી, જેમાંથી ૨૮૪ (૭૪%)  ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ગટર વ્યવસ્થાને લગતી ૨૨૨ ફરિયાદો પૈકી ૧૪૭નો સત્વરે નિકાલ કરાયો છે. મનપા ના તંત્ર દ્વારા સફાઈલક્ષી ૧૮૭ ફરિયાદોમાંથી ૧૮૧ નું ઝડપથી નિવારણ લાવીને ૯૭ ટકાની ઊંચી કાર્યક્ષમતા હાંસલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે રખડતા ઢોરના પ્રશ્ને કોર્પોરેશન દ્વારા ૮૯ ટકા કિસ્સાઓમાં કામગીરી કરવાની સફળતા મેળવી છે અને નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે.

અન્ય વિભાગોની કામગીરી પર નજર કરીએ તો, પાણી પુરવઠા અને રસ્તા બાંધકામની ૧૦૪-૧૦૩ ફરિયાદો સામે અનુક્રમે ૬૪ અને ૫૮ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

ઝાડ-ઝાંખરા ટ્રીમીંગની ૧૨૪ ફરિયાદોમાંથી ૬૫નો નિકાલ થયો છે, જ્યારે દબાણ અને અનધિકૃત બાંધકામની ૨૬ ફરિયાદો પૈકી ૧૦ નો નિકાલ કરવામાં આવ્યો  છે.

હાલમાં વિવિધ વિભાગો હેઠળ કુલ ૩૬૬ ફરિયાદો બાકી રહેલ  છે, જેના પર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે જેથી બાકી રહેલા પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ લાવી શકાય.

નોંધપાત્ર એ છે કે, ફોન પર કે વેબસાઇટ પર ફરિયાદ મળતાં ની સાથે જ એન્ટ્રી થતાં તાત્કાલિક ફરિયાદ જે તે વિભાગના જે તે વોર્ડમાં નિમાયેલા કર્મચારી અને સુપરવાઇઝરને મળી જાય છે.  જેથી ફરિયાદના નિકાલનો સમય ખૂબ જ ઓછો થઇ જાય છે.

વખતોવખત નિકાલ કરાયેલી ફરીયાદો અંગે નાગરિકોને ફોન કરી પુષ્ટિ પણ કરવામાં આવે છે.  નાગરિકો તરફથી સુંદર પ્રતિભાવો પ્રાપ્ત થયા છે. અત્યાર સુધી ૯૪૨ નાગરિકોએ ૧૨૧૪ ફરિયાદો નોંધાવી છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આ હેલ્પલાઇન સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ઘરબેઠા પારદર્શક અને ઝડપી સેવા પૂરી પાડવાનો છે. શહેરના વિકાસ અને વ્યવસ્થાપનમાં જનભાગીદારી વધારવા માટે આ ડિજિટલ પ્રણાલી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં પણ આ જ રીતે નાગરિકોની ફરિયાદોને પ્રાધાન્ય આપીને શહેરની માળખાગત સુવિધાઓના સ્તરને સતત સુધારવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.