કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ‘સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે સપ્તાહભર સામુહિક સફાઈ ઝુંબેશ યોજાશે
Publish Date : 10/06/2026
‘સ્વચ્છ ભારત-વિકસિત ભારત’ના લક્ષ્યને સાકાર કરવા વિવિધ વિસ્તારોમાં તા.૧૪ જૂન સુધી સઘન સફાઈ અભિયાનનું આયોજન
મહાનગરપાલિકા વિસ્તારોમાં 07 દિવસ સુધી દરરોજ સવારે 8-30 કલાકે જનભાગીદારી સાથે હાથ ધરાશે વિશેષ સફાઈ કામગીરી
તારીખ 10 જૂનના રોજ સવારે 8:30 કલાકે વિદ્યાનગર હરિ ઓમ નગર લાલ ચાલી કૈલાશ ભૂમિ પાસે સ્વચ્છતા ઝુંબેશ યોજાશે
આણંદ, મંગળવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી, મહાનગરપાલિકાના મેયર શ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને મહાનગરપાલિકાના કાઉન્સિલરો દ્વારા સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ અભિયાન હેઠળ સાત દિવસીય કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ સાત દિવસીય કાર્યક્રમ અન્વયે “સ્વચ્છ ભારત-વિકસિત ભારત” ના ઉમદા સંકલ્પને ચરિતાર્થ કરવા તેમજ “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત” ના ધ્યેય સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આગામી તા. ૧૪ જૂન ૨૦૨૬ દરમિયાન એક સપ્તાહ લાંબી સામુહિક સફાઈ સઘન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત નિર્ધારિત 07 દિવસો દરમિયાન દરરોજ સવારે ૦૮:૩૦ કલાકથી ૦૯:૩૦ કલાક સુધી વિવિધ સ્થળો પર સઘન સફાઈ કાર્યક્રમો હાથ ધરીને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાનો સંદેશ ફેલાવવામાં આવશે.
આ સઘન સફાઈ ઝુંબેશનો પ્રારંભ ૦૮ જૂન ૨૦૨૬ના રોજ આણંદના નવા બસ સ્ટેન્ડ વિસ્તાર અને અંબિકા ચોક ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, ૦૯ જૂનના રોજ આણંદના ગોયા તળાવ તેમજ ચોતરાની આજુબાજુના વિસ્તારોમાં સામુહિક સફાઈ, તા.૧૦ જૂનના રોજ વિદ્યાનગરના હરિઓમનગર, લાલ ચાલી અને કૈલાશભૂમી પાસેના વિસ્તારોને આવરી લેવામાં આવશે, જ્યાં વહેલી સવારે સઘન સફાઈ ઝુંબેશ ચલાવીને નાગરિકોને સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના સમગ્ર પંથકને સ્વચ્છતાના રંગે રંગવાનું સઘન અભિયાનના ચોથા દિવસે એટલે કે તા.૧૧ જૂનના રોજ બાકરોલ સ્થિત પુરુષોત્તમ મંદિર અને બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.
તા.૧૨ જૂન ૨૦૨૬ના રોજ કરમસદ ગણપતિ મંદિર અને સંદેશર ચોકડી વિસ્તારમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે. તા.૧૩ જૂનના રોજ ગામડી વિસ્તારના કૃષ્ણ ચોક થી રેલ્વે ફાટક સુધીના માર્ગો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ સપ્તાહભર ચાલનારી ઝુંબેશનું સમાપન તા.૧૪ જૂનના રોજ આણંદ-બોરસદ ચોકડી ખાતે સઘન સફાઈ કાર્યક્રમ સાથે કરવામાં આવશે.
આ સમગ્ર ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો છે. સપ્તાહ દરમિયાન જે-તે વિસ્તારના મુખ્ય સ્થળો અને જાહેર માર્ગો પરથી કચરાનો નિકાલ કરવામાં આવશે. આ સામુહિક સફાઈ અભિયાન દ્વારા પ્રત્યેક નાગરિકમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે અને ‘સ્વચ્છ ભારત’ના વિઝનને બળ મળે તે માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.