કરમસદની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં સંસ્કૃતોત્સવની ઉજવણી કરવામાં આવી
Publish Date : 08/08/2025
આણંદ, શુક્રવાર: ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત કરમસદની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ની કચેરી તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલાસણના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
શાસનાધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અંતર્ગત સંસ્કૃત શિક્ષણને મહત્વ પ્રદાન કરવા તથા જન સામાન્યમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ,સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તે હેતુથી સંસ્કૃતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેક્ચર શ્રી ડૉ. ધર્મેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા નું મહત્વ ખૂબ જ સુંદર શૈલીમાં સમજાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, સંસ્કૃત પ્રાર્થના, સંસ્કૃતમાં નાટક, વાર્તા કથનથી કરવામાં આવી હતી.
આ સમયે સંસ્કૃત ભાષાને મહત્વ આપતા ચાર્ટ- ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેના માધ્યમથી વિદ્યાર્થીઓએ નવીન જાણકારી મેળવી હતી.
શાળાના આચાર્ય શ્રી જિનેશાબેન શાહ તથા સમગ્ર શાળા પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના શ્રી અનિલભાઈ રાઠવા, શ્રી મેહુલભાઈ, પાઠ શાળાના કૌશિકભાઈ જાની, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

કરમસદની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં સંસ્કૃતોત્સવની ઉજવણી કરવામાં આવી
