કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ
Publish Date : 27/06/2025
આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસે લોક સહકાર દ્વારા રોકડ રૂપિયા ૧૩.૨૬ લાખ અને વસ્તુ સ્વરૂપમાં રૂપિયા ૯૨ લાખ મળીને કુલ રૂપિયા ૦૧ કરોડ ઉપરાંતનું દાન પ્રાપ્ત થયું.
પ્રથમ દિવસે ૨૧,૪૦૦ વિદ્યાર્થીઓનો આંગણવાડી, બાલવાટિકા, ધોરણ – ૧, ધોરણ – ૯ અને ધોરણ – ૧૧ માં પ્રવેશ અપાયો.
આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં આજથી આરંભ થયેલો ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ગાંધીનગર ખાતેથી આવેલ ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આણંદ જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આજે પ્રથમ દિવસે આંગણવાડીમાં ૩૧૬૭, બાલવાટિકામાં ૬૦૨૩, ધોરણ ૦૧ માં ૨૪૪, ધોરણ ૦૯ માં ૮૧૭૭ અને ધોરણ ૧૧ માં ૩૭૮૯ વિદ્યાર્થીઓ મળીને કુલ ૨૧,૪૦૦ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
જેમાં ૧૦૬૫૯ કન્યાઓ અને ૧૦૭૪૧ કુમારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ દિવસના પહેલા દિવસે ૧૦ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે ૧૬૫ જેટલી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવવામાં આવ્યા હતા.
આણંદ જિલ્લામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષ દરમિયાન યોજાયેલ કન્યા કેળવણી મહોત્સવમાં લોક સહકાર થકી રોકડ અને વસ્તુ સ્વરૂપે દાન મેળવવામાં આણંદ જીલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો છે, તેવી જ રીતે ચાલુ વર્ષે આજે યોજાયેલ શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે સમગ્ર જિલ્લામાં થી રોકડ સ્વરૂપે રૂપિયા ૧૩,૨૬,૯૩૩ અને વસ્તુ સ્વરૂપે રૂપિયા ૯૨,૨૫,૨૪૫ મળીને કુલ રૂપિયા ૧,૦૫,૫૨૧૭૮ લોક સહકાર દ્વારા દાન પ્રાપ્ત થયું હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.