કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: ૨૦૨૫: આણંદ જિલ્લો
Publish Date : 27/06/2025
શિક્ષણ થકી જ જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકાય છે: જિલ્લા કલેક્ટરશ્રી.
આણંદ જિલ્લા કલેકટરશ્રીએ ખંભાતની પી.એમશ્રી ઓ.એન.જી.સી.પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને કરાવ્યો શાળાપ્રવેશ.
આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ખંભાતની પી.એમ શ્રી.ઓ.એન.જી.સી.પ્રાથમિક શાળામાં ૬૦ જેટલા ભૂલકાંઓને પ્રવેશ કરાવીને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ૫૪ જેટલા બાલવાટિકાના ભૂલકાંઓને તથા ૬ જેટલા ધોરણ ૧ ના બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સ્કૂલોમાં બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થાય તથા દીકરીઓ અધવચ્ચેથી સ્કૂલ છોડીને ન જાય તે માટે ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી.જેના પરિણામે આજે રાજયની દરેક સ્કૂલોમાં ૧૦૦ ટકા નામાંકન થાય છે.
આ ઉપરાંત તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની સંકલ્પનાને સાકર કરવા ઉપસ્થિત વાલીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે,પોતાના બાળકોને જાગૃત બનીને પોતાના સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ભણાવવા માટે અનુરોધ કર્યો હતો.
ભણતર થકી જ જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકાય છે,તેમ જિલ્લા કલેકટરશ્રીએ પોતાના જીવનકાળના સંસ્મરણો ઉપસ્થિત બાળકોને જણાવીને ખંતપૂર્વક ભણવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.
આ વેળાએ સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પારિતોષિક એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. તદ્દઉપરાંત દાતાઓનું પણ મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ઓ.એન.જી.સીના અગ્રણી શ્રી સાહનીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. વધુમાં બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે જે કંઇ ઊણપ હોય તેને ઉપલ્બધ કરવા માટે ઓ.એન.જી.સી તરફથી કટીબધ્ધતા વ્યક્ત કરાઈ હતી.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના પ્રસંગે શાળાના વિધાર્થીઓએ તથા વાલીઓએ પોતાના વિચારો ઉપસ્થિત લોકો સમક્ષ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી સહિત મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષોરોપણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રીએ શાળાના વર્ગખંડમાં બાળકો સાથે શૈક્ષણિક વાર્તાલાપ કરીને ઉચ્ચ લક્ષયાંક રાખીને અભ્યાસ કરવા જણાવ્યું હતું.
આ વેળાએ ખંભાત મામલતદારશ્રી,ખંભાત સીડીપીઓશ્રી,શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષણગણ સહિત વાલીઓ તથા મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: ૨૦૨૫: આણંદ જિલ્લો
