એમજીવીસીએલ પેટલાદ વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત ‘સ્માર્ટ મીટર પખવાડિયા’નો પ્રારંભ
Publish Date : 13/02/2026
આણંદ, શુક્રવાર: મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ની પેટલાદ વિભાગીય કચેરી દ્વારા કેન્દ્ર સરકારના પાવર મંત્રાલયના આદેશ અનુસાર “સ્માર્ટ મીટર અપનાવો, સ્માર્ટ શરૂઆત કરો” ના સૂત્ર સાથે સ્માર્ટ મીટર પખવાડિયાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત MGVCL ના કર્મચારીઓ તેમજ પાવરગ્રીડ અને Intelliismart ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પેટલાદ વિભાગ હેઠળ આવતા આશરે બે લાખથી વધુ ગ્રાહકોમાંથી અત્યાર સુધીમાં ૭૫ હજારથી વધુ ઘરોમાં સફળતાપૂર્વક સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે અને બાકીની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે.
આ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે ખંભાત તાલુકાના વટાદરા ખાતે ‘સ્માર્ટ વટાદરા કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યપાલક ઇજનેર, નાયબ ઇજનેર અને જુનિયર ઇજનેર દ્વારા માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું હતું કે, સ્માર્ટ મીટર એ ગ્રાહકો માટે વીજળીનો “ડિજિટલ ચોપડો” છે. ગ્રાહકો ‘MGVCL SMART METER’ એપ્લિકેશન ડાઉનલોડ કરીને દરરોજનો વીજ વપરાશ, સોલર એક્સપોર્ટ યુનિટની વિગતો અને વીજ ખર્ચ પર સીધું નિયંત્રણ રાખી શકે છે. આ ટેકનોલોજી દ્વારા વીજ પુરવઠા કે મીટરમાં આવતી કોઈ પણ સમસ્યાનું એપ્લિકેશન દ્વારા ત્વરિત નિરાકરણ લાવી શકાશે. પર્યાવરણના બચાવ અને માનનીય વડાપ્રધાનશ્રીના ‘નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન’ના લક્ષ્યનેવર્ષ ૨૦૭૦ સુધીમાં પૂર્ણ કરવા માટે સૌને સ્માર્ટ મીટર અપનાવી બીજાને પણ તે માટે પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી છે.

એમજીવીસીએલ પેટલાદ વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત ‘સ્માર્ટ મીટર પખવાડિયા’નો પ્રારંભ