ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬
Publish Date : 13/04/2026
૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન લાઉડસ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ
જાહેરમાં લાઉડસ્પીકર વગાડવા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર હોઈ આણંદ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણી દરમ્યાન જાહેરમાં લાઉડસ્પીકર ધ્વારા જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા તેના ઉપયોગ માટે નિયંત્રણ હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઈએ આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં તા.૧૩/૦૪/૨૦૨૬ સુધી રસ્તામાં અથવા રસ્તા નજીક અથવા સાર્વજનીક કે ખાનગી જગ્યાઓમાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડસ્પીકર વગાડવા માટે આ જાહેરનામામાં દર્શાવેલ નિયમોનું પાલન કરવા હુકમ ફરમાવ્યો છે.
આ જાહેરનામા મુજબ કોઈપણ વ્યકિત જાહેર કે ખાનગી જગ્યાઓમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડસ્પીકર વગાડી શકશે નહી. તેમજ જાહેર સભાઓમાં સ્થિત અને ચાલુ વાહનો પ૨ના લાઉડ સ્પીકરોનો ઉપયોગ કરી શકાશે નહી. ઉપરાંત લાઉડસ્પીકર વગાડવા સક્ષમ અધિકારીશ્રી તરફથી પરવાનગી મળ્યેથી લાઉડસ્પીકર જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન ન થાય એવી રીતે ફક્ત સવારના ૬-૦૦ કલાકથી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જ વગાડવાનું રહેશે. વધુમાં લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણીક કે ધાર્મિક સંસ્થાઓ કે દવાખાના આવેલ હોય તો આ કચેરીઓ, સંસ્થાઓની કામગીરીમાં કોઈપણ દખલગીરી ન થાય તે રીતે તદ્દન ધીમા અવાજથી લાઉડસ્પીકર વગાડવાનું રહેશે.
આ હુકમના ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમજ આ હુકમ આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારને લાગુ પડશે.