Close

ઉમરેઠ વિધાનસભા પેટા  ચૂંટણી-૨૦૨૬

Publish Date : 04/04/2026

ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર્સ, કટ આઉટ મૂકવા સંબંધી રાજકીય પક્ષો / ઉમેદવારો આ નિયમોનું પાલન કરે

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે.

આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો/ઉમેદવારો વિશાળ કટ આઉટ, જાહેરાત, આઇટમો, બેનર્સ વગરે દ્વારા આડંબર યુક્ત પ્રદર્શન ન કરે તે હેતુથી ભારતના ચૂંટણી પંચે નકકી કરેલ આચારસંહિતા મુજબ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીના સંદર્ભે ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર્સ, કટ આઉટ મૂકવા માટે નિયમો જાહેર કરતો હુકમ બહાર પાડયો છે.

તદ્અનુસાર કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, સંસ્થા અથવા વ્યકિત દ્વારા કટઆઉટ, હોર્ડિગ્સ, બેનર્સ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઇપણ જાહેર જગ્યાએ તેમજ જાહેર રસ્તા ઉપર મૂકી શકશે નહીં, એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વગેરે હસ્તકની જાહેર જગ્યાએ (આવી જગ્યા કે મિલ્કત ભાડે હશે તો પણ) મૂકી શકાશે નહીં.

જો કટઆઉટ, હોર્ડિંગ્સ વગેરે ખાનગી મિલ્કતની જગ્યાએ મૂકવામાં આવે તો કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા કોઇ વ્યકિતએ કોઇપણ ખાનગી સ્થળે કટઆઉટ, પાટિયા, બેનર્સ વગેરે મૂકતા પૂર્વે જે તે જગ્યાના માલિકની લેખિત મંજૂરી મેળવવાની રહેશે તેમજ તે અંગેની જાણ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને તે લગાવ્યાના ત્રણ દિવસની અંદર કરવાની રહેશે. કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર અથવા કોઇ વ્યકિતએ ખાનગી જગ્યામાં મૂકેલ કટઆઉટ, જાહેર પાટિયા, બેનર્સ વગેરેના સંદર્ભે જે તે જગ્યાના માલિકની લેખિત મંજૂરી જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, પોલીસ અધિકારી અથવા આ અંગે અધિકૃત કરેલ કોઇપણ અધિકારી જોવા માંગે ત્યારે તેઓ સમક્ષ રજૂ કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે વિસ્તારમાં હોર્ડિંગ્સ કે કટઆઉટ વગેરે મૂકેલ હોય તે વિસ્તારના સંબંધકર્તા ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં દર્શાવવાનો રહેશે. તેમજ ખાનગી મિલ્કતોમાં હોર્ડિંગ્સ, કટ આઉટ વગેરે મૂકવા માટે સ્થાનિક કાયદા અનુસાર સંબંધિત સત્તાધિકારીની પરવાનગીની જરૂર હોય તેવા પ્રસંગે આવી પરવાનગી લીધેલી હોવી જોઇએ તથા આવા કટ આઉટ, જાહેરાત, પાટિયા, બેનર્સ વગેરે જે કોઇ સ્થળે મૂકવામાં આવે તે વિસ્તારમાં અમલમાં હોય તેવા સ્થાનિક નિયમો અથવા પેટા નિયમોનું પાલન કરવાનું રહેશે.

આ હુકમનો અમલ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ હુકમનો કોઇ રાજકીય પક્ષ, ઉમેદવાર તથા કોઇ વ્યકિત દ્વારા ભંગ કરી ચૂંટણીલક્ષી કટ આઉટ, જાહેરાત, પાટિયા અથવા બેનર્સ પ્રદર્શિત કરવામાં આવશે તો તે શિક્ષાને પાત્ર થશે તેમ હુકમમાં જણાવાયું છે.