ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
Publish Date : 01/04/2026
સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં
આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં 111- ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઈ ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર માટે વાહનોનો અનઅધિકૃત રીતે ઉપયોગ થતો અટકાવવા આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો બાબતે હુકમ કર્યો છે.
જે મુજબ ચૂંટણી પ્રચારમાં લેવાના તમામ વાહનો ચૂંટણી અધિકારીશ્રીની પૂર્વ મંજૂરી મેળવેલા હોવા જોઇશે તેમજ વાહન નંબર તથા ઉમેદવારનું નામ દર્શાવેલ અસલ પરમીટ દૂરથી જોઇ શકાય તેવી સાઇઝમાં વાહનના વીન્ડ સ્ક્રીન ઉપર લગાવવાની રહેશે, અસલ પરમીટ વિનાના કે ચૂંટણી અધિકારીશ્રીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાયના વાહનો ચૂંટણી પ્રચારના હેતુ માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં.
આ હુકમ આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં તા. ૦૬/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.