ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી દેવાહુતીની અધ્યક્ષતામાં આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિ પથ યાત્રા અને જનકલ્યાણ શિબિરના આયોજન અંગેની બેઠક યોજાઇ
Publish Date : 03/06/2026
આણંદ, મંગળવાર , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આગામી તા. ૦૫ મી જુન થી તા. ૨૧ મી જુન દરમિયાન આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે યોજાનાર વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિ પથ યાત્રા, જનકલ્યાણ શિબિરના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે. આ કાર્યક્રમોનું જિલ્લા અને તાલુકા કક્ષાએ સુચારૂ આયોજન અને સચોટ અમલીકરણ થાય તે માટે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી દેવાહુતીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી આણંદ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા – તાલુકાના અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પરસ્પરના સહ્યોગથી સબંધિત વિભાગના અધિકારીશ્રીઓએ જન કલ્યાણ શિબિર, વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને પ્રગતિ પથ યાત્રાના કાર્યક્રમમાં તેમનું યોગદાન આપવું પડશે.
તેમણે વધુમાં આ કાર્યક્રમમાં સહભાગી બનતા આણંદ જિલ્લાના નગરજનો, આગેવાનો તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ કાર્યક્રમમાં સહભાગી બનાવવાની સાથે તેમને જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળો, વિવિધ જોવાલાયક સ્થળો સહિતના મોટા પ્રોજેક્ટો અને સંસ્થાઓની મુલાકાત કરાવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીએ આ તમામ કાર્યક્રમોનું સુચારૂ અમલીકરણ થાય તે માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ નિયત આયોજન ઘડી કાઢવા જરૂરી નિર્દેશ આપ્યા હતા.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ઋતુરાજ દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી, નાયબ કલેકટરશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય વિભાગના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા.