આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
Publish Date : 26/05/2025
ચોમાસા પહેલાંની તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપતા કલેકટરશ્રી.
આણંદ,શુક્રવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર,વાવાઝોડું,ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે આણંદ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ દરેક જિલ્લા તેમજ તાલુકા મથકોએ ૨૪ કલાક કાર્યરત નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત અન્ય વિભાગો દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. સંભવિત પૂર અસરગ્રસ્ત ગામડાઓમાં સસ્તા અનાજનો પુરવઠો આગોતરા પહોચાડવામાં આવશે.
કલેકટરશ્રીએ આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષી પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોશ્રીને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર કરવાની શક્યતા ઉભી થાય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા આશ્રય સ્થાનો નિયત કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત ચોમાસામાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં લેવા માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી હતી. તેમજ આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવા અંગે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ ચોમાસા પહેલાંની તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.વધુમાં જિલ્લામાં આવેલ તમામ કાંસની ચોમાસા પહેલા સાફ-સફાઈ થાય તેના પર ખાસ જિલ્લા કલેકટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પેટલાદના મદદનીશ કલેકટર શ્રી હિરેન બારોટ, નાયબ વન સંરક્ષક શ્રી મીના, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
